પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શોધનિબંધમાં લેખકના સર્જનાત્મક ગદ્યનો અભ્યાસ એ એક જ અધ્યયનહેતુ નથી. પરંતુ આટલી સમજણ પછી આ દિશામાં વધુ અભ્યાસ કરવાની એક શક્યતા પેદા થઈ છે, એ તો સ્વયંસ્પષ્ટ છે. આપણે જે ગદ્યખંડો જોયા એવા બીજી અનેકવિધ સર્જનાત્મક શક્યતાઓ ધરાવતાં આલેખનો તેઓની ટૂંકી વાર્તાઓમાં અને અન્યત્ર પણ જોવા મળે છે. જયભિખ્ખુના ગદ્યસર્જનની બીજી અનેક લાક્ષણિકતાઓ આપણે જે તે સ્વરૂપ-પ્રકારાદિના કે વિશિષ્ટ પ્રકારની કૃતિઓના અભ્યાસ નિમિત્તે લક્ષમાં લીધી છે અને યથાપ્રસંગ એની ઓછીવત્તી ચર્ચાવિચારણા પણ કરી છે.

આ તો માત્ર, સંખ્યા અને સત્ત્વની દૃષ્ટિએ માતબર કાર્ય કરીને ગુજરાતને સાહિત્ય-સંસ્કારધન્યતા અર્પવામાં ગણનાપાત્ર યોગદાન કરનાર એક સર્જકની વિશિષ્ટ પ્રતિભાને આટલી વિશેષ અંજલિરૂપ કાર્ય કર્યું છે.

એટલું સ્પષ્ટ છે કે આટલા નિદર્શન પછી કોઈની રસવૃત્તિને ચાનક ચઢે ને માત્ર તેઓના સર્જનાત્મક ગદ્યના જ વિશેષ અનુસંધાનમાં કોઈ કાર્ય કરવા પ્રોત્સાહિત થાય તો એની પરિશ્રમવૃત્તિ પરિણામગામી તો બને જ બને; એવું એટલું સામર્થ્ય જયભિખ્ખુના સર્જનાત્મક ગદ્યમાં છે જ.