પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કર્યો. શિવપુરીના ગુરુકુળમાં યુરોપીય વિદ્વાનો અભ્યાસ અને નિરીક્ષણ અર્થે આવે. ડૉ. ક્રાઉઝે નામનાં વિદૂષી તો વર્ષો સુધી આ સંસ્થામાં રહેલાં. એમના સંપર્ક અને સમાગમને કારણે પાશ્ચાત્ય સાહિત્ય અને સંસ્કારનો પણ જયભિખ્ખુને પરિચય થયો. વીરતત્ત્વ પ્રકાશ મંડળમાં તેમણે જૈન તત્ત્વજ્ઞાન તેમ જ જૈનદર્શનનું અધ્યાપન પણ કર્યું.

કલકત્તામાં સંસ્કૃત એસોસિએશનની ન્યાયતીર્થની પરીક્ષા આપવા ગયા ત્યારે અંતરના ભાવિ જીવનના નકશા સંદર્ભે સંઘર્ષ ચાલતો હતો અંતર જીવનના કોઈ એવા માર્ગને ઝંખતું હતું જે કાંટાળો ભલે હોય પણ કોઈ ધ્યેયને ચિંતવતો હોય. એમાંથી ત્રણ નિર્ણયો થયા : નોકરી કરવી નહીં, પૈતૃક સંપત્તિ લેવી નહીં અને કલમના આશરે જિંદગી વિતાવવી. ગૌવર્ધનરામ અને નર્મદની જેમ પોતાના ખમીરની કસોટી કરતા આ નિર્ણયોએ એમની તાવણી તો ઘણી કરી પણ સાથે જીવનમાં પ્રાણ પણ રેડ્યો.

આમ જયભિખ્ખુના સાહિત્યિક વ્યક્તિત્વને ઘડવામાં જન્મજાત શક્તિની સાથે ધાર્મિક પ્રકૃતિના સંસ્કારી અને સાહિત્યપ્રીતિ ધરાવતા કુટુંબમાં જન્મ અને ઉછેરે મૂળગત રીતે ભાગ ભજવ્યો છે. આ ઉપરાંત માતા-પિતા, અન્ય સ્વજનો, શિક્ષકો, મહાનુભાવો તેમ જ પ્રસન્નમંગલ દામ્પત્યે અને પ્રકૃતિસૌંદર્ય તરફની વિશિષ્ટ અભિરુચિએ સારો ફાળો આપ્યો છે. સંસારીજનોની જેમ સાધુજનોના પણ જયભિખ્ખુ સ્નેહભાજન હતા. મુનિશ્રી ચિત્રભાનુ, મહંતશ્રી શાંતિપ્રસાદજી, ગોસ્વામી મુગટલાલજી, મહાસતી ધનકુંવરબાઈ વગેરેની એમના પર ગાઢ પ્રીતિ હતી. પ. પૂ. મોટાના અને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીના આશીર્વાદ પણ એમને પ્રાપ્ત થયા હતા.

આ ઉપરાંત જયભિખ્ખુના સાહિત્યિક વ્યક્તિત્વને ઘડવામાં સંસ્કૃતના ઊંડા અભ્યાસે પણ સારો ફાળો આપ્યો છે. જૈન શાસ્ત્રોનો અભ્યાસ એમને વાર્તાલેખન તરફ દોરી ગયો છે. જૈન કથાસાહિત્યને સાર્વભોગ્ય બનાવવાની આકાંક્ષામાંથી જૈન કૃતિઓનું સર્જન એમના દ્વારા થયું છે.

જયભિખ્ખુનો જીવનાદર્શ હતો સમાજને તંદુરસ્ત જીવનદૃષ્ટિ પ્રેરે તેવું સાહિત્ય પીરસવાનો. વાચકના ધ્યાનને પહેલેથી છેલ્લે સુધી જકડી રાખે અને