પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

એને તો કલાનિર્મિતિમાં રસ છે. પોતાની કૃતિ દ્વારા તેણે આનંદની શોધ માટેનો સાહસભર્યો પુરુષાર્થ આદર્યો હોય છે. ઐતિહાસિક નવલકથા ભાવકને જો આનંદનો અનુભવ ન કરાવી શકે, માત્ર માહિતીની ભરમારમાં જ અટવાયા કરે તો કલાકૃતિ તરીકે ઊણી સિદ્ધ થાય છે. વળી ઐતિહાસિક નવલકથા ઇતિહાસથી અલગ હોવાથી એને ચકાસવા માટે ઇતિહાસની તપાસના સાધનો અને પદ્ધતિઓ કામયાબ નીવડતાં નથી. ઐતિહાસિક નવલકથામાં તો ઇતિહાસની તપાસકલા પૂરતી જ મર્યાદિત રહેવી જોઈએ. ઐતિહાસિક નવલકથાને તેથી ઇતિહાસના ધોરણે નહીં, સાહિત્યના ધોરણે તપાસવી પડે.

ઐતિહાસિક નવલકથામાં રસદૃષ્ટિએ ઇતિહાસનું તથ્ય જળવાવું જોઈએ. સર્જક ઇતિહાસની સામગ્રીને આધારે કલાકૃતિ સર્જે છે. એ સામગ્રી ભાવકના મનમાં કેટલીક અપેક્ષાઓ જગાડે છે. મોટે ભાગે એ કળાની અપેક્ષાઓ હોય છે તેથી ઐતિહાસિક સામગ્રીમાં સર્જક જે કંઈ ફેરફાર કરે એ ભાવકને વિશ્વાસમાં લઈને જ કરી શકે. લખાણ ભાવકને સાદ્યંત શ્રદ્ધેય લાગવું જોઈએ. સામગ્રીનો ફેરફાર કરતી વેળાએ ભાવક સાથેનો પોતાનો ભાવસેતુ અખંડ રહે એની સર્જકે સાવધાની રાખવાની છે. આથી ટાગોરે કહ્યું છે : ‘રામચંદ્રને પામર કે રાવણને સાધુપુરુષ કોઈ નવલકથાકાર ચીતરે ત્યારે તે ઇતિહાસની વિરુદ્ધમાં અપરાધ નથી, કાવ્યની વિરુદ્ધમાં છે. સર્વજનવિદિત સત્યને તદ્દન ઉલટાવી નાખવાથી રસભંગ થાય છે.’ (સાહિત્ય, પૃ. ૧૫૩; લેખ : ‘ઐતિહાસિક નવલકથા’).

ઐતિહાસિક નવલકથા ઇતિહાસના વાતાવરણને ઉચિતરૂપે જાળવે એ પણ જરૂરી છે. અલબત્ત, તત્કાલીન દેશકાળની માહિતી એ નવલકથામાં સ્થૂળ વસ્તુ છે એને ચિત્રિત કરતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કથાનકના સ્પષ્ટીકરણનું એ સાધન છે, સ્વયં સાધ્ય નહીં. કથાનકની ગતિ તોડીને એમાં દેશકાળનાં વર્ણનો રેડ્યા કરવામાં આવે તો કૃતિ પોતાની કાન્તિ ખોઈ બેસે.

ઐતિહાસિક નવલકથામાં ઘણીવાર પૌરાણિક નવલકથા જેવા કે તેથી ભિન્ન પ્રકારના ચમત્કાર આવતા હોય છે. આ ચમત્કારને ચમત્કાર લેખે જ