પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સમયના વાતાવરણને લક્ષમાં રાખીને કેટલી હદે તેઓ કલ્પનાતત્ત્વ ઉમેરે છે, એનો વિનિયોગ નવલકથાની કલાપ્રવૃત્તિને માટે કેટલો ઉપકારક થાય છે એનો મહિમા તપાસી શકાય, એ હેતુથી જેટલી જરૂરી જણાય એટલી ઇતિહાસ-ભૂમિકા પણ પોતાની નવલોની પ્રસ્તાવનામાં તેઓ આપે છે. આ પ્રસ્તાવના ઇતિહાસના ઊંડા અભ્યાસી જયભિખ્ખુને આપણી સમક્ષ ખડા કરે છે.

મનુષ્યમાં રહેલા તમસ્ અને રજસ્ જેવા ગુણોના અતિચારને અટકાવી માણસને માણસાઈના પાઠ શીખવતી આ નવલોનું નિર્માણ ધ્યેય ‘તર્કપ્રધાન અને શ્રદ્ધા અલ્પ’ એવા સમાજ માટે અને નવી ઊગતી તરુણ પેઢીને માટે તેમને ગમે તેવું અને પ્રેરે તેવું સાહિત્ય રચવાનું છે. પ્રથમ પ્રેમ અને અંતે શ્રેય થવાનું ધ્યેય લઈને આવતી આ નવલો સર્જકના માંગલ્યવાદી દૃષ્ટિકોણની પ્રતીતિ કરાવે છે. વિલાસી જીવન, રાજકીય જીવન અને ધર્મજીવન એ ત્રણેમાં અંતિમ અને ઉચ્ચતમ શિખર છેલ્લું જ છે એ મંત્ર એમની અનેક નવલોમાં ગુંજે છે.

જયભિખ્ખુની નવલકથાઓનું વસ્તુસંકલન કથાના રસમાં ખેંચી રાખે તેવું હોય છે. આડકથાનો ઉપયોગ તેઓ ક્યાંક મુખ્ય કથાનકને પુષ્ટ કરવા તો ક્યાંક ઉપદેશને દૃઢાવવા કરે છે. કથાના આલેખન માટે જયભિખ્ખુ વર્ણન, સંવાદ, પ્રત્યક્ષ કથન વગેરે પદ્ધતિઓ યોજે છે. તેઓ પાત્રોની માવજત કુશળ રીતે કરે છે. એમની પાત્રસૃષ્ટિ વિવિધરંગી છે. એ વૈવિધ્યમાં દિલાવરી, અમીરી, શૌર્ય, નેક, ટેક, ત્યાગ, સ્વાર્થ, શહીદીની મસ્તી અને ભાવનાનો રંગ એમનાં પાત્રોમાં ઘૂંટાતા જોવા મળે છે. માણસને આંતરબાહ્ય પામવાની જયભિખ્ખુમાં પ્રબળ શક્તિના વિનિયોગને કારણે તેમનાં પાત્રો જીવનનાં જુદાં જુદાં પાસાં જીવતાં હોવા છતાં ઉચ્ચ જીવનના તલસાટવાળાં બન્યાં છે. વાચકો જ્યારે તેને વાંચે છે ત્યારે તે પાત્રો પોતાનું જ જીવન જીવતાં હોય તેવું અનુભવે છે ને તેમાં તદ્રુપ થઈ જાય છે.

જયભિખ્ખુની નવલોના સંવાદો ટૂંકા, સચોટ, માર્મિક અને પરિસ્થિતિ તથા પાત્રના બૌદ્ધિક વિકાસને અનુરૂપ છે તો રસનિરૂપણમાં પણ એમણે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે જે પ્રસંગે જે રસની આવશ્યકતા