પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નવલો ચર્ચાસ્પદ પણ બની છે પણ સર્જકનો હેતુ આવા નિરૂપણ દ્વારા સમાજમાં પ્રવર્તતા સડા તરફ લાલબત્તી ધરવાનો હોવાથી એ નિરૂપણ અનુચિત જણાતું નથી.

જયભિખ્ખુની નવલોમાંની ભાષાશૈલી સરળ, વિશદ, પ્રવાહી અને ચોટદાર છે. ટૂંકા અને છતાં ધારદાર ચિંતનાત્મક વિધાનો-વાક્યોક્તિઓ એમના ગદ્યને સર્જનાત્મક લય બક્ષે છે. જયભિખ્ખુ કવિ નથી છતાં એમનો જીવ કવિનો છે એ વાતની પ્રતીતિ કરાવતાં કલ્પનો, અલંકરણો અને સૂત્રાત્મક વાક્યોની સંયુક્ત રજૂઆત એમની ‘કામવિજેતા’ ‘ભગવાન ઋષભદેવ’, ‘ભક્ત કવિ જયદેવ’ જેવી નવલોને ચીરસ્મરણીય બનાવે છે.

ઐતિહાસિક નવલક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર જયભિખ્ખુની આ નવલસૃષ્ટિ તરફ કમભાગ્યે વિવેચકોનું ધ્યાન ખાસ ખેંચાયું નથી. પ્રાચીન ધર્મપ્રથાને નિજી પદ્ધતિથી રસાત્મક નવલકથારૂપ આપવાની દિશામાં એમણે ઉદાહરણીય પહેલ કરી છે. જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વને ગાળી નાખીને એને માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર મૂકી આપ્યું છે. ઇતિહાસની ઘટનાઓના ઉપયોગ દ્વારા જીવનમાંગલ્યલક્ષી ભાવનાઓનું નિરૂપણ કરી પોતાના અનોખા કલાવિધાનથી સમાજને શ્રેયષ્કર માર્ગ દોરે છે, ત્યારે એવી કૃતિઓને ઇતિહાસગ્રસ્ત થવા દેવાનું વિવેચકો-સંશોધકોને પાલવે નહીં. આ શોધનિબંધમાં તો જયભિખ્ખુની નવલકથા વિષેનું સંશોધન એક પ્રકરણરૂપે છે. આમાંથી ‘જયભિખ્ખુની નવલકથા’ વિષેના એક આખા શોધપ્રબંધની કોઈ અભ્યાસીને પ્રેરણા મળશે, તો અહીં કર્યું લેખે લાગશે.

નવલકથાની જેમ ટૂંકી વાર્તા ક્ષેત્રે પણ વિપુલ અને વૈવિધ્યવંતુ પ્રદાન જયભિખ્ખુએ કર્યું છે. એમની પાસેથી ર૯ વાર્તાસંગ્રહો મળે છે, જેમાંના થોડામાં એમની જ ચૂંટેલી વાર્તાઓના સંપાદનો પણ છે. આ સંપાદનોને ગણનામાંથી બાદ રાખીએ તો એમની પાસેથી કુલ ૨૧ વાર્તાસંગ્રહો મળે છે, જેમાંની ૩૬૫ વાર્તાઓમાંની ૧૮ વાર્તાઓ નામફેર પુનરાવર્તિત વાર્તાઓ છે.

વિષયવૈવિધ્યની દૃષ્ટિએ જયભિખ્ખુની આ વાર્તાસૃષ્ટિને તપાસીએ તો એમાં મુખ્યત્વે ઇતિહાસ, પુરાણ, સમકાલીન પરિસ્થિતિ અને સ્વાનુભવ વસ્તુસ્વરૂપે ઉપસ્યા છે. જયભિખ્ખુની કુલ વાર્તાઓમાંની લગભગ ચોથા