પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઇન્દ્રવરણાં ફળ જેવી છે.’ (પૃ. ૪, ‘લાખેણી વાતો’) અને આવી ઇન્દ્રવરણાં ફળ જેવી વાર્તાઓ આપવાનું એમને પસંદ નથી. જયભિખ્ખુએ પોતાની વાર્તાઓમાં આબાલવૃદ્ધ સૌને મસ્ત જીવનરસ મળે અને એમની સાહિત્યરુચિ સંસ્કારાય એ રીતે દર્શન પ્રગટાવ્યું છે.’

વાર્તાઓમાં જયભિખ્ખુની ગદ્યશૈલી અલંકારપ્રધાન હોવા છતાં એમાં વાચકના ચિત્તને સતત જકડી રાખે એવી નૈસર્ગિક ચેતના છે, કથનની ઉત્કૃષ્ટતા, રસાળ પ્રવાહિતા તથા વર્ણનની ચારુતા છે. તેમની શૈલીમાં જોમ છે, ભાષાની ચિત્રાત્મકતા અને સબળતા એ એમની શૈલીનાં પ્રધાન લક્ષણ છે.

જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિ વિશાળ, વ્યાપક વિષય વૈવિધ્યનું અને એમાં જ વિશિષ્ટ દર્શનનું આલેખન કરીને ગુજરાતી ટૂંકીવાર્તાના ક્ષેત્રમાં નોંધપાત્રતા સિદ્ધ કરે છે. જયભિખ્ખુની વાર્તાઓ સર્જાઈ હશે, ત્યારે સ્વરૂપલક્ષી વિશેષ સભાનતા તો સ્વાભાવિક રીતે જ નહિ હોય, અને તેથી જ, આપણે સામગ્રીના અનુસંધાનમાં જ નીવડી આવેલાં વાર્તાસ્વરૂપોની ચર્ચાવિચારણા કરી છે. એમાંથી, એવું અનુભવાય છે કે ટૂંકી વાર્તાના સ્વરૂપને નજરમાં રાખીને લેખકે પોતાની સામગ્રીને જોગવી છે અને એમાં એમને મહદ્ અંશે સફળતા મળે છે.

લેખકે કેટલીકવાર એકના એક કથાવસ્તુને નવલકથા અને ટૂંકી વાર્તામાં ઉપસાવવાના પ્રયત્નો કર્યા છે. એમ કરતી વખતે ‘નવલકથા એટલે લાંબી કરેલી નવલિકા અને નવલિકા એટલે ટૂંકી કરેલી નવલકથા’ એવા ખોટા ખ્યાલથી લેખક કામ કરતા નથી. બંને સ્વરૂપોને ઉપસાવવા માટે લેખક પાસે ચોક્કસ દૃષ્ટિ છે જ. એમ છતાં સ્વરૂપની પોતાની જ મર્યાદા એને નડી હોય એવું બન્યું છે. ‘પ્રેમાવતાર’ નવલકથા અને ‘યાદવાસ્થળી’ વાર્તાનું કથાવસ્તુ એકસરખું છે. છતાં જે દર્શન ‘યાદવાસ્થળી’ માં સચોટ અને મર્મસ્પર્શી રૂપે પ્રગટે છે તે ‘પ્રેમાવતાર’ માં લંબાણને કારણે ઓછું અસરકારક બને છે. અહીં સ્વરૂપલક્ષી માવજતથી એકની એક સામગ્રી હોવા છતાં કલાતત્ત્વની અનોખું પરિણામ સિદ્ધ થયું છે. જયભિખ્ખુની વાર્તાકલાની આ સિદ્ધિ ગણાય, જે તેઓની આપોપી દૃષ્ટિનું-માવજતનું પરિણામ છે.