પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૩૧
 

કૃતિમાં સ્થાન આપવાથી કશું સિદ્ધ થઈ શકતું નથી. ચમત્કાર કે અપાર્થિવતા કથામાં રસક્ષતિ કરતા હોય તો તેને ટાળવા જ રહ્યા, પણ એના ઔચિત્યપૂર્વકના અને જરૂરી ઉપયોગથી ઐતિહાસિક નવલકથાને રસાત્મક બનાવી શકાય ખરી. નવલકથાની કલાને ઇજા ન થાય અને લોકોમાં અરુચિ ન જન્મે એ રીતે ચમત્કાર પ્રયોજી શકાય.

ઐતિહાસિક નવલકથામાં કલ્પનાનો ઉપયોગ પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિના ચિત્રણમાં જેટલો ઇચ્છનીય હોય એટલો જ કરવો જોઈએ - અને તે પણ તટસ્થ ઐતિહાસિક દૃષ્ટિથી. ઇતિહાસને પચાવી એવાં સ્થાન એણે શોધી કાઢવાં જોઈએ કે જ્યાં કલ્પના માટે પૂરતો અવકાશ હોય. કલ્પનાના બળ ઉપર એ રામને ટાઈ કે સીતાને મોક્સી પહેરાવી શકે નહીં. ઇતિહાસની એવી વિકૃતિથી તો એનું લખાણ હાસ્યાસ્પદ બનવાનું. હડસન કહે છે : ‘ઐતિહાસિક નવલકથાઓના સર્જકનું કામ માત્ર ઇતિહાસની શુષ્ક અને વિશૃંખલ વિગતોને કલ્પનાતંતુથી સાંકળી જે તે સાંસ્કૃતિક સમયનું યથાર્થ અને રસપૂર્ણ ચિત્ર આપવાનું છે. એ ચિત્રમાં કલાગત એકતા અને પૂર્ણતા હોવી જોઈએ. સામાન્ય વાચક પણ આ કલ્પનાચિત્રનું જ સૌથી વધુ મૂલ્ય આંકે છે.’ (An Introduction to the Study of Literature p. : 212)

સમગ્રતયા જોઈએ તો ઐતિહાસિક નવલકથાઓના બે પ્રકાર પડતા જણાય છે : (૧) ઇતિહાસનિષ્ઠ નવલકથાઓ, (૨) ઇતિહાસકલ્પ નવલકથાઓ. ભૂતકાળની વિગતોનું યથાતથ નિરૂપણ કરતી નવલ ઇતિહાસનિષ્ઠ કહેવાય છે. એમાં લેખક ઇતિહાસને સજીવન કરી એને અનુભૂતિગમ્ય બનાવવાનો આનંદભર્યો પુરુષાર્થ આદરે છે. લેખકની કલ્પના ત્યાં ઇતિહાસને વશ વર્તે છે. ઇતિહાસનિષ્ઠ નવલમાં દેશકાળની મર્યાદામાં રહીને સર્જક ઐતિહાસિક વસ્તુ-પાત્ર આદિમાં ફેરફારો કરે છે, પણ એ ફેરફારોમાં કલાની-આગળ વધીને કહીએ તો ઇતિહાસની-અનિવાર્યતા પ્રતીત થાય છે. ઇતિહાસકલ્પ નવલોમાં ઇતિહાસની સામગ્રીનો ઉપયોગ થયો હોય છે, પણ તે કલ્પનાસૃષ્ટિને સાકાર કરવામાં લેખકની કલ્પનાને ઇતિહાસ વશ વર્તતો હોય એવું અહીં દેખાય છે. અહીં લેખકને ઇતિહાસ કરતાં ઇતિહાસની યથાશક્ય મદદ વડે ઊભી કરેલી પોતાની ગાંધર્વ નગરીમાં વધારે રસ હોય છે.