પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છે. જયભિખ્ખુએ એમાં ઇતિહાસ, ભૂગોળ, ધર્મ, ચરિત્ર, સંસારદર્શન વગેરે વિષે સરળ, સહજ અને બાલભોગ્ય શૈલીમાં આલેખન કર્યું છે. જયભિખ્ખુ પહેલાં કિશોરોને શૌર્ય - સાહસની પ્રેરણા મળી રહે એવું સાહિત્ય આપણે ત્યાં ઠીક પ્રમાણમાં લખાયું હતું પણ મોટે ભાગે એવા સાહિત્યના નાટકો ટારઝન કે અલીબાબા જેવી પરદેશી કથાસૃષ્ટિનાં પાત્રો હતાં. જયભિખ્ખુ અને એમના સમકાલીન બાળસાહિત્યકારો એ ભારત દેશના જ નવયુવાનોના ખમીરને વ્યક્ત કરતી સત્ય ઘટનાઓ કે કલ્પનાકથાઓ સાહસકથારૂપે આપવાની શરૂઆત કરી. વળી જયભિખ્ખુ પહેલાનું બાળસાહિત્ય કલ્પનાકથામાં વિશેષ રાચતું. એમાંની પરી અને રાક્ષસોની દુનિયાની સ્વપ્નમય સૃષ્ટિ વાંચતા આજે ય એના વચનના પરિણામ વિશે દ્વિધા રહે છે. જયભિખ્ખુએ એમાંથી ફંટાઈને વીર પુરુષોની કથાઓ આપી. બાળકોને પરીઓની સ્વપ્નસૃષ્ટિને બદલે શૌર્યની સૃષ્ટિનો પરિચય કરાવ્યો. જયભિખ્ખુનું આ સાહિત્યવિષય અને સ્વરૂપની દૃષ્ટિએ વૈવિધ્યવંતુ છે. જયભિખ્ખુનું આ સાહિત્ય એમાંથી ટૂંકા વાક્યોવાળી પ્રવાહી શૈલીને કારણે બાળકોને એક અનોખી રસસૃષ્ટિમાં રમમાણ કરી દે એવું છે. જયભિખ્ખુએ આપેલી કહેવતકથાઓ એમના નાનકડા કથાવસ્તુને સચોટ કથનથી મર્મસ્પર્શી બનાવવાની સર્જકની ક્ષમતાનો પરિચય આપે છે. આ કહેવતકથાઓ કિશોરોની ભાષાશક્તિને ખીલવવામાં ખૂબ ઉપયોગી થઈ પડે એવી છે, તો એમની પ્રાણી કથાઓ વાર્તાકલાના ઉત્કૃષ્ટ નમુના છે. એમાંય તે જૈન ધર્મની પ્રાણીકથાઓને સંપ્રદાયની પરિભાષા તથા સાંપ્રદાયિક રંગોથી મુક્ત રાખીને રજૂ કરનારા તેઓ પહેલા સર્જક છે. જીવનમાંગલ્યલક્ષી સર્જકનો હેતુ આવા સાહિત્યના સર્જન પાછળ ઉમદા સાહિત્યના પ્રસાર-પ્રચારનો અને એ દ્વારા માનવીના સંસ્કાર ઘડતરનો જ છે.

પત્રકાર જયભિખ્ખુએ ઘણા લાંબા ગાળા સુધી એક કરતાં વધારે સામયિકોમાં નિયમિત સ્વરૂપે કૉલમો લખીને મબલખ સાહિત્ય ગુજરાતને ચરણે ધર્યું છે. એમના સમગ્ર સાહિત્યસર્જનનો ઘણો મોટો ભાગ પત્રકાર જયભિખ્ખુની દેન છે પણ એ સાહિત્ય કેવળ પત્રકારી ન રહેતાં – ચિરંજીવ બન્યું છે. એમની એ વૃત્તિ - પ્રવૃત્તિમાંથી નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, પ્રસંગકથાઓ અને બાળસાહિત્યના ઢગલાબંધ પુસ્તકો મળ્યાં છે. આ