પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સાહિત્યિક પરિણામો આપતો રહે છે. જયભિખ્ખુના સર્જનાત્મક ગદ્યમાં અનેક સ્થળે આ વસ્તુ જોવા મળે છે. નવલકથાઓમાં કવિતા કે કવિતાની સામગ્રીનો ઉપયોગ કરીને લેખક ગદ્યકૃતિને વધુ મહિમાવંત બનાવવાના પ્રયત્નો કર્યા છે. નવલકથાઓમાંની આ કવિતાની સામગ્રી નવલકથાના કાર્યવેગને વધુ તેજસ્વી બનાવે છે. એટલું જ નહિ પણ કથયિતવ્યને વધુ રમણીય અને આસ્વાદક રૂપ આપે છે. આ સર્જક પાસે નોંધપાત્ર ગદ્યરિદ્ધિ છે એની પ્રતીતિ એમનું કલ્પનાપ્રધાન સર્જનાત્મક ગદ્ય કરાવે છે.

સાહિત્યના વિષયવૈવિધ્યને કોઈ સીમા નથી. એમાંય, વૈવિધ્ય એ નવલકથાનું તો વિશિષ્ટ-સક્ષમ લક્ષણ છે. જયભિખ્ખુમાં પણ બેસુમાર વૈવિધ્ય છે. વસ્તુ અને સામગ્રી બંનેના ચયન અને સંયોજન દ્વારા તેઓ પોતાના સર્જનમાં એ લાક્ષણિકતાઓ દાખવે છે. અને તેથી જ આપણા અભ્યાસ માટે તેઓ નોંધપાત્ર બન્યા છે. એ ચયન અને સંયોજનને વિસ્તારથી દાખવવાનો આ મહાનિબંધનો સ્પષ્ટ આશય હતો. કેવળ નવલકથા કે ટૂંકી વાર્તાઓમાં જ નહિ, તેઓના અન્ય સાહિત્યમાં પણ એનું મૂલ્ય આપણે તપાસ્યું છે અને એનો મહિમા પણ યથાપ્રસંગ દાખવ્યો જ છે.

સમાજ, ધર્મ, ઇતિહાસ વગેરેના વસ્તુચયનની સાથે સાથે જ એના નિરૂપણના માહાત્મ્યને પણ આપણે તપાસ્યું છે. કોઈ પણ વિષયવસ્તુના આલેખનને આ સર્જકે પોતાના શૈલીબળના પ્રભાવથી રસાત્મક અને હૃદયંગમ બનાવ્યું છે. કથનવર્ણન અને સંવાદની સાથે સાથે જરૂર ઊભી થતાં કવિતા અને કવિતાની સામગ્રીનો વિનિયોગ કરતાં જયભિખ્ખુને નવલકથાના સ્વરૂપનો સંકોચ નડ્યો નથી, અને, બીજે પક્ષે, સહૃદયને પણ એ સામગ્રી કઠતી લાગતી નથી. સાદી ભાષામાં વાત કરીએ તો નવલકથાને, પેલી કવિતા કે કવિતાની સામગ્રી ઉપકારક બનતી આવે છે અને કથામર્મનું સાર્થક્ય પ્રગટાવવા એ પ્રભાવક પણ બને જ છે.

સર્જનાત્મક અભિવ્યક્તિની તપાસ માટે ‘સાહિત્યસંશોધનની પદ્ધતિ’માં ચંપૂ વ્યાસે જે મુદ્દાઓ ઉપસાવ્યા છે, એમાંથી ચાર મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખીને આપણે જયભિખ્ખુનો અભ્યાસ કર્યો છે : (૧) સર્જકનું સર્જકકાર્ય, (૨) સર્જકીય સામર્થ્ય દર્શાવતી રજૂઆતની ક્ષમતા, (૩) સર્જક કાર્યમાં