પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આવતી સંવેદનશીલતા અને કલ્પનાશીલતા, (૪) સંયોજનલક્ષી નિર્માણવ્યવસ્થા (પૃ. ૭૬).

આ ચારેયને ધ્યાનમાં રાખીને કાર્ય કરતાં સ્વાભાવિક રીતે જ આપણે Toxtual અને Contextual એમ બંને પ્રકારનો અભ્યાસ કરીને જયભિખ્ખુના સાહિત્યને મૂલ્યાંકિત કરી આપવાનો પ્રયત્ન કર્યો છે. જયભિખ્ખુના સર્જનમાં - ખાસ તો નવલકથા, ટૂંકી વાર્તા, નાટકમાં - જે કાંઈ કથાવસ્તુનું વૈવિધ્ય છે, તેની તપાસની સાથે સાથે જ એમાં આવતા તમામ ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક સંદર્ભો આપણે તપાસ્યા છે. આ સંદર્ભો પાત્રપ્રસંગ દ્વારા કે કથન-વર્ણન-સંવાદ દ્વારા સાહિત્યસર્જનના સંયોજનની કઈ કઈ વિશિષ્ટતાઓ દાખવે છે, એ પણ યથાપ્રસંગ સમજાવ્યું છે.

આ તમામના તારણરૂપે એમ કહી શકાય કે જયભિખ્ખુના સાહિત્યમાં સાહિત્યિક સંપ્રાપ્તિની સાથે સાથે સાંસ્કૃતિક સંપ્રાપ્તિનો વિશિષ્ટ યોગ રહેલો છે. સાંસ્કૃતિક ચલણવલણ દાખવવા લેખકે કોઈ આભિનિવેશિક વલણ દાખવ્યું નથી. એમ છતાં તેઓના સાહિત્યસર્જનમાં જે રીતે સમાજ-ધર્મ- ઇતિહાસના સાંસ્કૃતિક સંદર્ભો પ્રાપ્ય બને છે તથા ભારતીય સાંસ્કૃતિક અસ્મિતાના માહાત્મ્યનું દર્શન થાય છે, એ સાંસ્કૃતિક સંપ્રાપ્તિ પણ તેઓના સર્જન દ્વારા પ્રાપ્ત થતી સાહિત્યિક સંપ્રાપ્તિ જેટલી જ મૂલ્યવાન છે.

જયભિખ્ખુ માંગલ્યદર્શી સર્જક છે, એટલું કહેવું બસ નથી. તેઓએ સાહિત્યપદાર્થમાં માંગલ્યના દ્રવ્યની સેળભેળ કરીને આલેખન કર્યું નથી. આ અભ્યાસ જોતાં સમજાશે કે વિષયવસ્તુના સંપૂર્ણ દર્શન પછી જ આપણે એમાં રહેલા માંગલ્યનો અનુભવ આસ્વાદ્યો છે. વિષયવસ્તુના તેજવર્તુળનું સમજણપૂર્વક અભ્યાસ દર્શન કરતાં કરતાં આપણે જ્યારે કેન્દ્રમાં આવ્યા છીએ ત્યારે પેલા જીવન – માંગલ્યનું દ્રવ્ય આપણા હાથમાં આવ્યું છે અને તેથી જ આપણે એ માંગલ્યદ્રવ્યનું સાહિત્યપદાર્થ જેટલું જ જતન કર્યું છે. માંગલ્યના એ આદર્શના ગઠ્ઠાટુકડા આપણે મોટે ભાગે જયભિખ્ખુની કૃતિઓમાં જોયા નથી. જે કંઈ આવે છે એ સાહિત્યના જ - એક સંયોજિત સ્વરૂપના - દર્શનરૂપે આવે છે અને એ આપણા અભ્યાસનું મહત્ત્વનું તારણ છે. બીજી