પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રીતે જોઈએ તો વ્યક્તિથી માંડીને છેક રાષ્ટ્રજીવન અને એના અવાન્તરક્રમે સમષ્ટિને સ્પર્શતો સર્જકનો માંગલ્યલક્ષી આદર્શ તેઓના રચનાવિધાનમાં જેમ પ્રવર્તતો હોય છે – એ પકડાતો નથી, પામી જવાતો હોય છે. પુષ્પસૌંદર્યનો સાચો મરમી એના રંગઆકારાદિનો મહિમા કરે છે અને સાથે સાથે સુગંધની પણ અપેક્ષા રાખે છે. આગળ વધીને એમ પણ કહી શકાય છે. સુગંધ ઉપરાંત સફળતાનો ખ્યાલ પણ એ મરમીના ચિત્તમાં હોય છે. આ સંદર્ભમાં જયભિખ્ખુના સર્જનઆદર્શને સહૃદયતાથી તપાસવાનું – પામવાનું અને એનો મહિમા કરવાનું મહત્ત્વનું છે. તેથી જ, તેઓના સર્જનમાં ક્યારેક અતિચારી બનતા શૃંગારચેષ્ટાઓ કે વધુ રસિક બનતાં સ્ત્રી સૌંદર્યનાં વર્ણનો પણ સહૃદયને સરવાળે સંતર્પક બનતાં હોય છે.

અહીં જયભિખ્ખુના સાહિત્યસર્જનનો સમગ્રલક્ષી અભ્યાસ રજૂ કર્યો છે. એનાં વિવિધ પ્રકરણોમાં છેવટનું મહત્ત્વનું કારણ એ રહ્યું છે કે આ સર્જનનો આપણા સાહિત્યિક-સાંસ્કૃતિક અભ્યાસક્ષેત્રોમાં વધુ ને વધુ અભ્યાસ થવો જોઈએ. તેઓની કૃતિઓના સર્જનકાળ દરમ્યાન સમકાલીનોએ પણ એ સર્જનના મહિમા વિષે જોઈએ એટલું ધ્યાન આપ્યું નથી અને પછી પણ જે કાંઈ સંશોધન-વિવેચન થયું છે, એ ઓછું જ થયું છે એમ લાગે. સર્જકનું ગૌરવ તો એના વધુ ને વધુ અભ્યાસથી જ થઈ શકે. આ પુસ્તકનાં કેટલાંક પ્રકરણો વિશે ભાવિ સંશોધકો વિસ્તારથી સંશોધન કરશે અને જયભિખ્ખુની નવલકથાઓ (એનાય વિષયવસ્તુલક્ષી વિભાગો - પ્રકારો છે એ વિષે), ટૂંકી વાર્તાઓ તથા તેઓના પત્રકારત્વ અને ચરિત્રસાહિત્ય વિષે અલાયદા શોધનિબંધો ગુજરાતને મળશે અને એની સંશોધનાત્મક સાહિત્યિક- સાંસ્કૃતિક સંપ્રાપ્તિથી ગુજરાત ધન્ય બનશે તો આ પુસ્તકનું કર્તુત્વ પણ ધન્ય બનશે .