પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૩૩
 

નવલત્રયીમાં જોવા મળે છે એવું ‘ભાગ્યવિધાતા’માં જોવા મળતું નથી. લેખક પોતે જ આ વાતની કબૂલાત કરતાં કહે છે, ‘સંધ્યાની શીળી હવામાં ફરવા નીકળેલ મોટી ફાંદવાળા શેઠજીને માથે અચાનક મેઘમાળની ઝડીઓ વરસે, ને જે ઢબથી ને જે ઝડપથી તેઓ ઘર તરફ હાંફળાફાંફળા પાછળ દોડે તેટલી જ દોડ ને ઝડપથી આ કથા લખી છે. પાછું વાળીને જોવાની ઘડી જ મળી નથી.’ (‘લેખકની વાત’) અલબત્ત, એક વાત જે લેખક કહે છે કે ‘કથા અંગે કેવળ નિવેદન એટલું કે કલ્પનાના વ્યોમમાં વિહરતાં ઇતિહાસની શૃંખલાને તોડી નથી.’ (‘લેખકની વાત’) એ સાચી છે. ઇતિહાસની મુખ્ય મુખ્ય વિગતોને લેખક વફાદાર રહ્યા છે.

પ્રસ્તુત નવલકથા ઈ. સ. ૧૫૫૬ના નવેમ્બર માસની પમી તારીખે એકવીસ એકવીસ લડાઈના વિજેતા વિક્રમાદિત્ય હેમુના પાણીપતના મેદાનમાં ખાનખાના બહેરામખાના હાથે થતા પરાજય અને કેદી અવસ્થામાં બેભાનપણાની સ્થિતિમાં બહેરામખાંની તલવારથી થતા વધથી આરંભાય છે. હુમાયુ સુત અકબર ૧૪ વર્ષની ઉંમરે ગાદીપતિ બને છે. પણ સાચો રાજદંડ એના વજીર બહેરામખાંના હાથમાં છે. બહેરામખાંના હાથમાં રહેલા આ રાજદંડે મોગલ સત્તાને બહાર વિસ્તારી પણ અંદર વિખવાદ જગાવ્યો. ચાર વર્ષ આ આંતરવિગ્રહ ચાલ્યો. આ આંતરવિગ્રહનું ચિત્રણ પ્રસ્તુત નવલકથામાં લેખક દ્વારા સુપેરે થયું છે. પોતાની જાતને ભારતના ભાગ્યવિધાતા માનતા બહેરામખાંનું અભિમાનની કક્ષા સુધી પહોંચતું સ્વાભિમાન જ એના પતનનું કારણ કઈ રીતે બને છે એ નિરૂપતી આ નવલકથા છેવટે રમકડાના રાજા અકબરશાહ દ્વારા મોગલ દરબારમાં ચાલતા આંતરવિગ્રહને નિવારી સ્વતંત્ર રાજદંડ ગ્રહણ કર્યા સુધીની કથાને શબ્દરૂપ આપે છે.

પોતાની જાતને ભાગ્યવિધાતા માનતા ત્રણ ભડવીરો હેમુ, બહેરામખાં અને અકબરને થતી સાચા ભાગ્યવિધાતાની પ્રતીતિની આ કથા સૂચવે છે કે આ કે તે વ્યક્તિ પોતાના ભાગ્યની વિધાતા નથી. સાચો ભાગ્યવિધાતા તો ઈશ્વર જ છે. એટલે એણે જે પ્રમાણે જેના ભાગ્યનું નિર્માણ કર્યું હોય એ રીતે જએનું ભાગ્ય ઘડાય છે. પોતાની જાતને ભાગ્યવિધાતા સમજતા બહેરામખાંને હેમુ મૃત્યુની છેલ્લી ક્ષણે કહે છે, ‘ભાગ્યવિધાતા ! કોણ તું