પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

બહેરામ ? હા, હા, હા, સલ્તનતના ઓ ભાગ્યવિધાતા ! કાં ભ્રમણામાં ભમી રહ્યો છે ? સમય તને સમજાવશે કે સાચો ભાગ્યવિધાતા કોણ છે ? (પૃ. ૩૧)’ અને ખરેખર સમય જ બહેરામખાંને સમજાવે છે કે, ‘હેમુ ! તું સાચો ! ભાગ્યવિધાતાનો ભેદ તેં સાચો જાણ્યો, ન હું કે ન તું, અકબર પણ નહિ, કોઈ પડદા પાછળ ઊભો લાગે છે, અહા, યા પરવરદિગાર !’ (પૃ. ૧૫૧)

આ નવલકથામાં જીવનના અંતકાળે મુસ્લિમ સુંદરીના સૌંદર્યમાં લુબ્ધ થતા હેમુનું જે ચિત્રણ લેખકે કર્યું છે તે અથવા બહેરામખાં દ્વારા અકબરના મૃત્યુની જે યોજના ઘડાય છે એ નિરૂપણો એની મોગલ સમયની નવલત્રયીમાં બદલાયા છે. ‘દિલ્હીશ્વર’માં બહેરામખાંનું અકબરના એક વફાદાર વજીર તરીકેનું જ નિરૂપણ મળએ છે. કેટલીક ગેરસમજોને કારણે જ એ બંને વચ્ચે મનોવિખવાદ થયો છે છતાં પણ છેક છેવટ સુધી બહેરામખાં તરફનો એનો આદરભાવ એવો ને એવો જ રહે છે. એ નિરૂપણ વધુ તાર્કિક લાગે છે. ઇતિહાસનો પણ એ વાતનો ટેકો છે. એ જ રીતે ‘વિક્રમાદિત્ય હેમુ’માં અને ‘ભાગ્યવિધાતા’માં તેમનું એક સાચા શૂરવીર અને નીતિમંત યોદ્ધા તરીકેનું જે નિરૂપણ છે, મુસ્લિમ સુંદરી સાથેના લગ્નનો વિચાર પણ એને એટલા માટે આવે છે કે એ દ્વારા એના મનમાં હિન્દુ-મુસ્લિમ એકતાની ગાંઠને વધુ મજબૂત બનાવવાનો ખ્યાલ આવે છે. મુસ્લિમો એ લગ્ન માટે ઉતાવળ કરે છે. છતાં પાણીપત સંગ્રામ પછી જ આ લગ્ન કરવા માટે એ તૈયાર થાય છે એ રીતનું નિરૂપણ ‘ભાગ્યવિધાતા’માં થયેલ મુસ્લિમ સુંદરી પ્રત્યેના એના આકર્ષણ કરતાં વધારે સુસંગત, તાર્કિક અને પાત્રગૌરવની દૃષ્ટિએ ચડિયાતું લાગે છે.

‘ભાગ્યવિધાતા’ એ જયભિખ્ખુ દ્વારા એમના સર્જનના આરંભકાળે ઉભડક રીતે લખાયેલી મોગલ સમયના અકબરના આરંભકાળના રાજપ્રપંચથી ભરેલા કાવાદાવાને વર્ણવતી ઐતિહાસિક નવલકથા છે. વસ્તુસંકલના, પાત્રાલેખન જેવાં નવલકથાલક્ષી ઘટકતત્ત્વોની દૃષ્ટિએ એમાં ઊંચું કલાતત્ત્વ દેખાતું નથી, એમ છતાંય, ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યવિધાતા’ અને ‘દિલ્હીશ્વર’ જેવા ભવિષ્ય નિર્માણ થનારી સમૃદ્ધ નવલકથાઓના સર્જકના આરંભકાલીન સર્જનમાં હોવા જોઈતા સ્ફુલિંગોનું દર્શન ‘ભાગ્યવિધાતા’માં પણ થાય છે.