પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૩૫
 

કામવિજેતા શ્રી સ્થૂલિભદ્ર :

શ્રી જયભિખ્ખુની ઐતિહાસિક નવલકથાઓમાં કલાત્મકતા અને લોકપ્રિયતાની દૃષ્ટિએ નિરાળી ભાત પાડતી ઈ. સ. ૧૯૪૦માં સર્જાયેલી ‘કામવિજેતા શ્રી સ્થૂલિભદ્ર’ લેખકની કૃતિઓમાં તો ખરી જ, પણ આ જ વસ્તુ ઉપર લખાયેલી અન્ય નવલકથાઓમાં પણ નોંધનીય રહે છે. લેખક જેને કૈંક અંશે ઐતિહાસિક અને કૈંક અંશે પ્રાગૈતિહાસિક ગણાવે છે, એવી આ કૃતિનો વાર્તાસંભાર જૈન તેમજ જૈનેતર ગ્રંથોમાંથી લેવામાં આવ્યો છે. લેખક પોતે જ કહે છે તેમ ‘આ નવલકથાનું એક પણ પાત્ર લેખકનું પોતાનું કલ્પના સંતાન નથી.’ (પ્રસ્તાવના : પૃ. ૫) અલબત્ત એ પાત્રોના સમયનિર્ણય અંગે અવસ્થા છે. પ્રો. રવિશંકર જોશી આ નવલકથા તરફ ‘તેના વસ્તુની નૂતન દિશા’ નિહાળી આકર્ષાયેલા. (આમુખ પૃ. ૯) તેમના મતે ગુજરાતી નવલકથાઓમાં જયભિખ્ખુ પહેલાં ‘ગુલાબસિંહ’ કે ‘યોગિનીકુમારી’ જેવી થોડી નવલો સિવાય ધાર્મિક વસ્તુને નવલકથાનો સ્વાંગ આપવાના ક્ષેત્રમાં ઝાઝું ખેડાણ થયું નથી. જયભિખ્ખુએ એ ક્ષેત્ર પસંદ કરી અને વિપુલ પ્રમાણમાં ખેડાણ કરી વસ્તુની એક નવી દિશા તરફ ભાવકવર્ગને દોર્યો છે.

કથાની સેર બે વિભાગમાં વહેંચાઈને આગળ વધે છે. એક સેર નવલની મુખ્ય કથાઘટના સ્થૂલિભદ્ર-રૂપકોશાના પ્રેમના વિકાસને વર્ણવે છે, તો બીજી મગધની રાજધાની પાટલીપુત્રમાં ચાલતી રાજ્યખટપટ તથા સત્તાધારી પક્ષના અને પ્રજાનાં કાચીંડાની જેમ બદલાતાં જતાં મનોવલણોને વાચા આપે છે.

પાટલીપુત્રના મહાઅમાત્ય શકટાલનો પુત્ર અને કથાનો નાયક સ્થૂલિભદ્ર અઢારેક વર્ષનો રૂપગુણે સોહામણો યુવક, પાટલીપુત્રના યુવાનોમાં એ કામદેવ જેવો શોભતો. એનું લાંબુ, સીધુ ને સુરેખ નાક, વિશાળ ભવાં, ઝગઝગાટ કરતું લલાટ, શંખાકાર અણિયાળાં નેત્રો ને માંસલ સ્નાયુઓ જોનારને એની પ્રતિભાનું સ્પષ્ટ ભાન કરાવતાં. આ રસિક વિદ્વાન અને કુશળ રણયોદ્ધો પાટલીપુત્રની શુદ્ધ પ્રેમની દિવાની રૂપકોશા તરફ આકર્ષાયો. કોશા એટલે સૃષ્ટિનું જીવંત સૌંદર્ય. પ્રતાપી સ્વભાવ અને સ્વમાની શીલ એની પાસે હતું. એના અંતરમાં એક મુગ્ધાના દિલમાં હોય તેવું નારીત્વ