પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૩૭
 

લાગી જાય છે ત્યારે અનંગનો એક અશ્રાવ્ય ઘોષ સ્થૂલિભદ્રની રગેરગમાં વહેવા લાગે છે. એક ક્ષણ માટે પોતાનું કુળ, પિતાની પ્રતિષ્ઠા, કર્તવ્યનો ઉપદેશ એ બધાનો તે વિચાર કરે છે. અને બોલી ઊઠે છે, ‘કોશા, તું મને સર્વનાશના માર્ગે ન લઈ જા !’ (પૃ. ૭૯) પણ કોશાનું સૌંદર્ય, તેની પ્રીતિ છેવટે વિજયી નીવડે છે અને કોશા-સ્થૂલિભદ્ર એક બને છે.

બીજે દિવસે રાજ્યસભામાં કોશા તક્ષશિલાના વિજય વખતે એણે કરેલી મદદના બદલામાં રાજા પાસેથી રાજગણિકાપદેથી નિવૃત્તિ માગી લે છે કારણ કે એને મન ગાંધાર વિજય કરતાં ભદ્રની પ્રાપ્તિનો વિજય મોટો છે. એક વાર કોશાના દ્વારે રહી ચૂકેલા સ્થૂલિભદ્રને મન હવે પોતે પોતાના પવિત્ર પિતાને મુખ દેખાડવા જેવો રહ્યો નથી એટલું જ નહીં, પોતાનું આ અધ:પતન સંસારમાં પણ તેને મુખ દેખાડવા લાયક જણાતું નથી એટલે પિતાના અનેકવારનાં કહેણને તે વેદનાસભર હૈયે પાછાં વાળે છે. બહેન યક્ષા જ્યારે સામે ચાલીને તેડવા આવે છે ત્યારે પણ એનો પરિતાપ આ શબ્દોમાં વ્યક્ત થાય છે : ‘બેન, આ રૂપાળા રૌરવ નરકમાંથી જલદી ચાલી જા ! વાસનાની આઠે પ્રહર જલતી ભઠ્ઠીમાં અમારા વિષયી અંગોને અમને હોમવા દે !.. પણ બેન, તું જલદી આ નરકાગારમાંથી નીકળી જા.’ (પૃ. ૧૩૭) કોશા સાથેના સંબંધને તે પ્રારબ્ધબંધ તરીકે ઓળખાવે છે અને તેને દંભી બનીને જીવવામાં રસ નથી. નહીં તો દુનિયાના અનેક પુરુષોની જેમ તે પણ ખાનગીમાં કોશા સાથે સંબંધો રાખીને સમાજમાં ઊજળા મોંએ અને ઊજળા લૂગડે ફરી શક્યો હોત. પણ એનામાં સાચું ખમીર છે એટલે જ તે કહે છે : ‘દુનિયામાં દંભી બનીને જીવવા કરતા ઉઘાડા ગણિકાગામી થઈને જીવવું એમ જ મને મારો ધર્મ લાગ્યો છે.’ (પૃ. ૧૩૭)

કોશા પણ સ્થૂલિભદ્રને સાચા હૃદયથી પ્રેમ કરે છે. અંતરનો વિરાગી એવો એનો ભદ્ર કઈ ક્ષણે પોતાને ત્યજી જશે એનો એને સતત ડર પણ લાગે છે અને એટલે જ એ ભદ્ર ખુશ રહે એ માટેના સર્વોત્તમ પ્રયાસો કરે છે. પોતાની ધનસંપત્તિ, પોતાની કલાસૌંદર્યવૃત્તિ અને ભરપૂર હૃદયપ્રીતિ, એની ઉપર ઢોળીને તે એને સતત બાંધી રાખે છે. પણ કોશાને ક્યાં ખબર છે કે પોતે જેને સતત બાંધી રાખવા મથે છે એનું અંતર તો પશ્ચાત્તાપની કોઈ ઊંડી જ્વાળામાં સતત જલ્યા કરે છે.