પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

પ્રકરણથી પાટલીપુત્રના રાજકારણની શેતરંજ ઊકલતી જાય છે. વરરુચિની પ્રપંચલીલા, રથાધ્યક્ષ સાથેનું ભળવું, મહાન દેખાવા ગંગા પાસે પ્રસાદ મેળવવાની હાથચાલાકી રચવી, મંત્રી દ્વારા પ્રપંચ ખુલ્લો પડવો, મંત્રી ખરાબ દેખાય એ રીતે એની શસ્ત્રાસ્ત્રો શ્રીયકનાં લગ્ન પ્રસંગે ભેટ આપવાની પ્રવૃત્તિને મગધના હિતશત્રુની દગાભરી પ્રવૃત્તિ તરીકે વરરુચિ અને રથાધ્યક્ષ દ્વારા ઓળખાવવી, મગધના શ્રેય માટે મંત્રી દ્વારા આત્મબલિદાનનું અપાવું વગેરે બનાવો ૧૧ થી ૨૪ પ્રકરણમાં શેતરંજના પાસાની જેમ કાર્યવેગી બને છે. આ દરમિયાન સ્થૂલિભદ્ર-ખોસાની મુખ્ય કથાનો પટ પાતળો પડે છે. રપમાં પ્રકરણથી સ્થૂલિભદ્ર અને તેની આત્મવિજયની પ્રવૃત્તિઓ લેખકના કેમેરામાં ઝડપાતી જાય છે. એ પછી નવલકથાના અંત સુધી નાયક-નાયિકા જ લગભગ કેન્દ્રસ્થાને રહે છે.

વસ્તુગૂંથણીમાં ક્યાંક નાની કચાશ શોધનારને મળે ખરી. જેમકે ઇતિહાસ જેને ધનલોભી અને ક્રૂર રાજા તરીકે પિછાણે છે એ મહારાજા નંદને લેખકે ગ્રંથના પ્રારંભમાં એવો ઉદારચરિત નિરૂપ્યો છે અને ઉદાત્ત રંગે એનું પાત્ર આલેખ્યું છે કે મધ્યભાગ પછી અચાનક તેના પલટાયેલા શંકાશીલ માનસની પ્રતીતિકારકતા મનમાં સહજ રૂપે વસતી નથી. અને એમ એના ચારિત્ર્યના નિર્બળ અંશોના સ્વાભાવિક પરિણામરૂપે તેનું પતન થતું લાગતું નથી. વળી શકટાલને પોતાના પુત્રના જ હાથે માથું કપાવવું પડ્યું તે પ્રસંગની પૂર્વઘટનાઓ પણ એવી સુસ્પષ્ટ રીતે નિરૂપાઈ નથી કે જેથી આ પરિણામ સમુચિત લાગે. આ બંને ઘટનાઓમાં કાર્યકારણના અંકોડા થઓડા શિથિલ રહી ગયા હોય એવું ચોક્કસ લાગે. એનાં કારણો વિચારતાં એમ લાગે છે કે લેખકનું લક્ષ્ય જેટલું રૂપકોશા-સ્થૂલિભદ્રની કથાને સુસંબદ્ધરૂપે વિકસાવવા તરફ છે, એટલું આ ગૌણ કથાને વિકસાવવા તરફ નથી એને કારણે કથાપટને ઝડપથી સંકેલવા જતાં આ મર્યાદા રહી ગઈ છે.

‘કામવિજેતા’માં લેખકે નીચે મુજબના ઐતિહાસિક તથ્યો આધાર તરીકે સ્વીકાર્યો છે. અલબત્ત, આ તથ્યો એમને ગૌણ કથાના વિકાસમાં જ મુખ્યત્વે સહાયરૂપ બન્યાં છે. મુખ્ય કથા માટે તો એમણે જૈન ધર્મકથાનક અને સ્થૂલિભદ્ર સંબંધી ફાગુ રચનાઓનો જ આધાર વિશેષરૂપે લીધો છે. આ નવલકથાને ઐતિહાસિક નવલકથા ઠરાવતાં તથ્યો નીચે મુજબ છે.