પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 


આ ઐતિહાસિક તથ્યો ઉપરાંત જયભિખ્ખુ આ નવલકથાની મુખ્ય કથા માટે સૌથી મોટો આધાર લીધો છે સ્થૂલિભદ્ર અંગેની ધર્મકથાઓનો. એમાંય તે કવિ માલદેવકૃત ‘સ્થૂલિભદ્ર ફાગુ’ રચનાએ જયભિખ્ખુને આ કૃતિના આલેખનમાં ખૂબજ પ્રેરણા આપી છે. મુખ્ય કથાના ઘણા બધા પ્રસંગોનું નિરૂપણ કરવામાં આ માલદેવની કૃતિએ લેખકને સારી એવી સહાય કરી છે. (‘પ્રાચીન ફાગુસંગ્રહ’, પૃ. ૧૨૯ થી ૧૪૧, સં. ભોગીલાલ સાંડેસરા અને સોમાભાઈ પારેખ) ઉપર્યુક્ત આખ્યાયિકા ધર્મગ્રંથો પર આધારિત છે પણ ધર્મગ્રંથોમાં નોંધાયેલાં આ કથાનકો મુખ્યત્વે પરંપરાથી આવતી ‘દંતકથાઓનો પરિપાક’ હોય છે એને ઇતિહાસ ન કહી શકાય.

આ નવલકથાના સ્થૂલિભદ્ર, મહામંત્રી શકટાલ, નંદરાજ, મૌર્ય ચંદ્રગુપ્ત, ચાણક્ય મુખ્ય પાત્રો છે. જેમાંથી એક પણ પાત્ર લેખકનું પોતાનું કલ્પનાસંતાન નથી એમ છતાં લેખકની વિવેકશક્તિને યોગ્ય લાગ્યા એ રીતે તેમનું સમાંર્જન અને સંવર્ધન થયું છે. નવલકથાનો નાયક સ્થૂલિભદ્ર લેખકને હાથે રસિક, વિદ્વાન, રૂપસુંદર અને છતાં અંતરથી વૈરાગીરૂપે આલેખાયા છે. પિતાનો સૂચવ્યો કર્તવ્યમાર્ગ અને કોશાનો સૂચવ્યો પ્રેમમાર્ગ બંને એકસાથે એકસરખા એને પોતાની તરફ લલચાવે છે. અને આ જ કારણે લેખક કહે છે તેમ ‘સઢ અને સુકાન વગરની નૌકા’ની જેમ તે ફંગોળાય છે. પણ અંતે જિંદગીનું સાચું સુકાન મેળવી જ લે છે અને પોતાને જે સુકાન લાધ્યું એ સુકાનના રસ્તે કોશાને પણ વાળી પ્રેમનું સાચું મૂલ્ય ચૂકવે છે. સ્થૂલિભદ્રના બંને પાસાં – સાચા પ્રેમી તરીકેનું તેમજ સાચા વૈરાગી તરીકેનું – લેખકે કૌશલ્યથી નિરૂપ્યાં છે.

પ્રો. રવિશંકર જોશીને સ્થૂલિભદ્રના પાત્રચિત્રણમાં નવલકથાકારની એક મોટી ખામી એ જણાઈ છે કે ‘વિલાસી સ્થૂલિભદ્રનું વિરાગી સ્થૂલિભદ્રમાં જે પરિવર્તન થાય છે તે પરિવર્તન અચાનક અને આકસ્મિક છે. પરિવર્તનની માનસિક ભૂમિકાનું ક્રમિક ચિત્ર બતાવવાનું લેખકથી ચુકાઈ ગયું છે.’ પણ આ સંદર્ભમાં ડૉ. સરોજીની શર્મા સાચું જ કહે છે કે ‘સ્થૂલિભદ્રના ચરિત્રમાં વેશ્યાની સાથે જીવન વ્યતીત કરતી વખતે પણ માનસિક સંઘર્ષનું ચિત્રણ તથા સ્થૂલિભદ્ર મનમાં વૈરાગ્યની ક્ષણોનું ચિત્રણ થાય છે.’ (‘હિંદી તથા ગુ. ઐ. ઉપન્યાસોંકા તુલનાત્મક અધ્યયન’, પૃ. ૪૯૪) ડૉ. કૃષ્ણકાંત કડકિયા પણ