પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૪૩
 

આ બાબત સાથે સંમત છે. તેમણે પોતાના શોધનિબંધમાં સ્થૂલિભદ્રના વૈરાગી અંતરના અનેક પુરાવાઓ પણ આપ્યા છે. ટૂંકમાં સ્થૂલિભદ્રનું સંસ્કારી, ઉદાત્ત, ભાવનામય તથા આદર્શ ચિત્રણ નવલકથાકારની એક સિદ્ધિ છે. જયભિખ્ખુની વિશાળ પાત્રસૃષ્ટિમાં સ્થૂલિભદ્રનું પાત્રચિત્રણ સદાકાળ નોંધનીય રહે એવું જીવંત અને કલાત્મક તેનું પાત્રાલેખન છે. સૌંદર્યમૂર્તિ કોશા એક ગણિકા હોવા છતાં એનું ચિત્રણ પણ લેખકની કલમે ઉદાત્ત નારી રત્નના નમૂના તરીકે જ થયું છે. અલબત્ત લેખક પોતે જ જણાવે છે તેમ તે સમયે ગણિકાનું સ્થાન આજના જેવું નિમ્ન કક્ષાનું નહોતું. પણ તેઓ કહે છે તેમ ‘એ વેળાની ગણિકા પણ આજની વેશ્યાનું અશુદ્ધ રૂપ નહિ, પણ સંસ્કારદત્ત, શિક્ષણદત્ત અને સર્વકલાકુશળ સ્ત્રી’ (પૃ. ૭, પ્રસ્તાવના)નું જ છે. કોશા પોતાની એક એક રૂપછટાથી સ્થૂલિભદ્રને પ્રેમપાશમાં બાંધે છે ત્યારે પણ એનો ઇરાદો આ મંત્રીપુત્રને પોતાના ફંદામાં લઈ કોઈ ગેરલાભ લેવાનો નથી જ. એણે તો જ્યારથી ભદ્રને જોયો છે ત્યારથી જ તે તેની ઉપર મુગ્ધ બની છે. એને કોઈપણ રીતે ભદ્રને પામવો છે. એણે જે કંઈ ઝંખ્યું છે એ બધું જ એકત્રરૂપે ભદ્રમાં એને જોવા મળ્યું છે. એટલે જ તો ભદ્ર પોતાને વરો તો જગતમાં બીજો પુરુષ વરવો નહિ એવું નક્કી કરતી તે ભદ્રને સંપૂર્ણ રીતે પોતાનો બનાવવા માટે થઈને રાજ્યગણિકાપદને પણ ઠોકર મારે છે. એટલું જ નહીં, ભદ્ર ખુશ રહે, સતત આનંદમાં રહે એ માટે થઈને લખલૂંટ ખર્ચ કરી નાટ્યશાળાનું નિર્માણ કરે છે. કર્તવ્ય અને પ્રેમની વચ્ચે વેદનાભરી રીતે પિસાતો એનો ભદ્ર સતત પ્રફુલ્લિત રહે એ જ એની નિરંતર ઝંખના છે. અલબત્ત, એનો પ્રેમ શરીરની બહાર નીકળ્યો નથી, અને રૂપ બાહ્ય આકર્ષણ સુધી મર્યાદિત છે છતાં એના દ્વારા એને કંઈક પામવું છે. આ વાતની એ પોતે કબૂલાત કરતા કહે છે કે, ‘આપણા આ સુભગ સુંદર સંયોગમાં કોઈ પાપ આવીને પ્રેવશી ગયું હશે તો એ પાપને આપણે પ્રેમયોગ દ્વારા દૂર હાંકી કાઢીશું.’ (પૃ. ૨૦). કોશાની આ વાત સાચી પડે છે. સ્થૂલિભદ્ર-કોશાનો પ્રેમ.... યોગ સુધીની સમાધિએ પહોંચે છે. કોશાને સાચા હૃદયથી ચાહતા ભદ્રને જે ક્ષણે જીવન જીવવાની સાચી ચાવી મળે છે તે જ ક્ષણે ગુરુઆજ્ઞાથી પહેલો ઉદ્ધાર કરવા નીકળે છે કોશાનો, કારણ કે એ માત્ર કોશાના રૂપને નહીં, કોશાના શરીરને નહીં, કોશાના આત્માને ચાહતો હતો.