પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

કોશાને તેના અંતરમાં રહેલા એ આત્માનું દર્શન કરાવી ધર્મના શરણે દોરે છે. પ્રેમની આ જ્યોતિને પામેલી કોશા પણ છેવટે સ્થૂલિભદ્રના ગુરુભાઈ એવા જૈન મુનિને અને રથાધ્યક્ષને પણ કામના વિકૃત સ્વરૂપમાંથી પ્રેમના સાચા સ્વરૂપ ભણી વાળવામાં સફળ થાય છે. સ્થૂલિભદ્ર અને કોશાનો આ પાત્રવિકાસ લેખકે સરસ રીતે નિરૂપ્યો છે.

કોશા-સ્થૂલિભદ્રના જેવું જ કૌશલ્યભર્યું પાત્રવિધાન લેખકે શકટાલ મંત્રીનું પણ કર્યું છે. પૂર્વવયનો વિદ્વાન, રસિક અને કવિજીવ એવો આ મહામંત્રી ધનનંદની પ્રેરણાથી કવિતાના ભૂંગળા ફેંકી દઈ રાજભક્તિમાં મગ્ન બને છે. એની સૂક્ષ્મદ્રષ્ટિ અને રાજરમતની પટાબાજીમાંની કુશળતા દાદ માંગી લે તેવી છે. મંત્રીધર્મને ઊંટધર્મ સાથે સરખાવતો આ મહામંત્રી મહાકાર્યની સિદ્ધિ અર્થે આત્મબલિદાન પણ આપે છે. એ ઉપરાંત સાહિત્ય અને રાજકારણ વચ્ચે ઝોલા ખાતો વરરુચિ, ચકોરબુદ્ધિ ચાણક્ય, સંયમ તેમજ સમભાવવાળો મુત્સદી વીર ચંદ્રગુપ્ત, મહાન જ્ઞાની પરમ સિદ્ધિનો જાણકાર, સંયમ અને શક્તિની મૂર્તિરૂપ ભદ્રબાહુ, સુકુમાર, શૂરવીર લાગણીસભર, પિતૃવત્સલ, પિતૃઆજ્ઞા પ્રમાણે વર્તનાર કર્તવ્યનીષ્ઠ શ્રીયક, વિદ્યાવ્યાસંગી યક્ષા, સત્તાલાલસુ પણ વિશુદ્ધ રાજ્યભક્તિવાળો રથાધ્યક્ષ વગેરે પાત્રો લેખક સફળતાથી આલેખી શક્યા છે. ઇતિહાસનો નંદ નવલકથઆમાં છે તેવો નથી, ધનલોભી અને ક્રૂર છે તેથી જ તો નવલકથાના પ્રારંભમાં દેખાતા એના ઉદાત્ત રંગો એના સ્વાભાવિક ચરિત્રચિત્રણને શિથિલ કરે છે.

એકરીતે જોઈએ તો કોઈપણ સંસ્કૃત સમાજના દર્શન સાથે એની ધાર્મિકતાનું તત્ત્વ આપોઆપ દેખાઈ આવતું હોય છે. એમાં ય જ્યાં ધર્મ અને સંસ્કૃતિ એક સિક્કાની બે બાજુ જેવા ગણાતાં હોય એવા દેશના સમાજનો કોઈ એક ભાગ રજૂ થતો હોય ત્યારે ધર્મની મહત્તા સમાજ-સંસ્કૃતિની સાથે જ પ્રકાશતી હોય છે. અહીં ધર્મવિમુખ લોકોનું આલેખન કરીને એની સામે ધાર્મિકતાની પ્રબળતા અને પ્રભાવકતા મૂકી આપીને લેખકે નવલકથાનો કાર્યવેગ સાધ્યો છે. આમ આ ઐતિહાસિક નવલકથામાં રાજ્ય, સમાજ અને ધર્મનાં આલેખનો સરવાળે તો નવલકથાના કલાતત્ત્વની જ ઉપાસના કરે છે. સૂક્ષ્મ રીતે સંપૂર્ણ નવલકથામાં રમ્યા કરતું આ તત્ત્વ ઐતિહાસિક નવલ દ્વારા