પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૪૫
 

વાચકને વર્તમાનથી ભિન્ન એવા વિગત સંસારમાં લઈ જાય છે. પ્રસ્તુત નવલકથામાં લેખકે દેશકાળની સીમાની મર્યાદામાં રહીને તે સમયના રાજકીય, ધાર્મિક અને સામાજિક વાતાવરણને વિશેષ રૂપે નિરૂપ્યું છે.

આ ઉપરાંત સમૃદ્ધિથી છલકાતાં રાજમહાલયો, કલાવૈભવયુક્ત રંગશાળાઓ, સમૃદ્ધિથી ઉભરાતાં રાજપણ્યો, અત્તરના તેલથી બળતી દીપમાલાઓ, કીમતી ગાલીચા, કલાવૈભવથી સમૃદ્ધ વેશભૂષા, વિવિધ પ્રકારની વિલાસથી સભર પ્રસાધનસામગ્રી, નૃત્યકળા, સંગીત, ઋતુપ્રમાણે પલટાતી સૌંદર્યમંડિત જીવનવિધિઓ, તે યુગના રાજપુરુષોની ખટપટો, ગુપ્તચર નારીઓ, વિષકન્યાનો યુદ્ધમાં કે રાજપ્રપંચમાં ઉપયોગ, ગુપ્ત માર્ગો અને ભેંયરાઓ, ગજપ્રધાન ચતુરંગ સેના, અસ્ત્રશસ્ત્રનું વૈવિધ્ય વગેરેમાં રાજકીય વાતાવરણ યથાર્થરૂપે ઊપસ્યું છે. એ સમયનું સાંસ્કૃતિક વાતાવરણ પણ કેવું ઉદાત્ત હશે, એનો પરિચય કરાવતાં પ્રસ્તાવનામાં લેખક પોતે કહે છે : ‘એ કાળ ખરેખર ઉન્નત હશે. માનવીનું જીવનસ્વાતંત્ર્ય પણ અજબ હશે. વિદ્યાનો વિશદ અર્થ જીવન જીવવાની કુનેહ એવા હશે ...... અને એ જ કારણે હશે કે બ્રાહ્મણ શ્રેષ્ઠ, નાગર વંશીય, મહાઅમાત્ય શકટાલ જેવાનો પુત્ર, પિતાની અનિચ્છાએ પણ ગણિકાને ત્યાં વર્ષો સુધી પડ્યો રહે ! અને સત્તાનો અગ્નિ બેમાંથી એકેને ન પ્રજાળે ! એ વેળાની ગણિકા પણ આજનું વેશ્યાનું અશુદ્ધ રૂપ નહિ, પણ સંસ્કારદત્ત, શિક્ષણદત્ત ને સર્વકળાકુશળ સ્ત્રી હશે ! અને એક વેળાનો પતિત જુવાન થોડીક ક્ષણોમાં સર્પની કાંચળીની જેમ બધું ફગાવી મુનિઓમાં મહાન બની શકે, એવી હૃદયની મહત્તા પણ ધરાવતો હશે. સર્વશાસ્ત્રવેત્તા ગુરુદેવ પુનઃ એને ગણિકાને મંદિરે જવાની રજા આપે, સામર્થ્ય હોવા છતાં શકટાલ એકેશ્વર્ય (એક જ માલિક) ભાવના જાળવી કુરબાન કરે !’ (પૃ. ૭)

આ નવલકથાનું વાચન આપણા મનમાં એક અનુભવ એ પણ પેદા કરે છે કે જૈન ધર્મની વસ્તુને નવલકથાનો સ્વાંગ આપવામાં આવ્યો હોવા છતાં એ ધર્મના પ્રચારાર્થે લખાઈ છે એમ લાગતું નથી, તે એટલે સુધી કે ભગવાન મહાવીરે ઉપદેશેલા અને ગણધરોએ ગૂંથેલાં બાર અંગોના વર્ણનને કથામાં લેખકે ગૂંથ્યું છે, કેટલેય સ્થળે જૈન ધર્મના સાંપ્રદાયિક શબ્દો ઉપયોગમાં લેવાયા છે. છતાં આ કૃતિ સાંપ્રદાયિક હોવાની છાપ પાડતી નથી, બલ્કે એને