પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

આલેખનમાં બાહ્ય અને આંતરિક સંઘર્ષનું આલેખન પણ કલાત્મક બને છે. નવલકથામાં બાહ્ય સંઘર્ષ શકટાલ-વરરુચિ વચ્ચે, નંદ અને ચંદ્રગુપ્ત વચ્ચે, ચાણક્ય અને નંદકુમારો તથા નંદ વચ્ચે તથા આંતરસંઘર્ષ નાટક સ્થૂલિભદ્રના ચિત્તના વંટોળરૂપે નિરૂપાયો છે. સ્થૂલિભદ્રનું સંસ્કારી હૃદય એક બાજુ પિતૃઇચ્છા મુજબ મગધભક્તિ ઝંખે છે તો બીજી બાજુ રૂપકોશાના પ્રેમપાશમાં બંધાઈને વિલાસ અને વિહાર ઝંખે છે શઢ અને સુકાન વગરની એની હૃદયનૌકા ઝોલા ખાય છે. રૂપકોશાના સૌંદર્યમાં રમમાણ થતી વખતે જ ચિત્તમાં નિર્વેદ પેદા થાય છે. પિતાના મૃત્યુ માટે પોતાને જ જવાબદાર ગણાતો તે પોતાની જાતને ફિટકારે છે અને એ વખતે તેને ક્ષણેક્ષણ મૃત્યુ વહાલું લાગે છે. વળી, જે ક્ષણે એ મૃત્યુની નજીક પહોંચવા ઝંખે છે એ ક્ષણે જ કીંમતી જીવન શતમુખે પોતાની તરફ આવકારે છે. એનું આ આંતરમંથન જયભિખ્ખુએ ખુબ જ સુંદર રીતે નિરૂપ્યું છે. સ્થૂલિભદ્ર સાધુસ્વરૂપે કોશાની ચિત્રશાળાએ ચાતુર્માસ ગાળવા આવે છે ત્યારે કોશાના સર્વજિત સૌંદર્યથી, પ્રેમથી અને રૂપથી સ્થૂલિભદ્રને ચલિત કરવા મથે છે. તે સમયે કોશાના ચિત્તની અસદ્ વૃત્તિઓની સામે સ્થૂલિભદ્રના ચિત્તની સદ્‌વૃતિઓનો સંઘર્ષ નવલકથામાં સુપેરે આલેખાયો છે. પોતાના ભવિષ્યની દીવાદાંડી સમાન અને પોતે જેને પોતાની સર્વ પ્રકારની વિદ્યાઓ શીખવી છે તેનો સ્થૂલિભદ્ર જ્યારે પોતાના ભવિષ્યનાં સ્વપ્નાને સળગાવી મૂકી એક ગણિકાને ત્યાં ચાલ્યો જાય, બાર બાર વર્ષ સુધી મોં પણ ના બતાવે, પોતાની ખરી જરૂરિયાત વખતે માન-સ્વમાન ભૂલી એને બોલાવવા માણસ મોકલે ત્યારે પણ તે ના આવે એવા પુત્ર તરફથી થતી વેદનાથી પિડાતા અને છતાં ય સમધારણ રીતે રાજનીતિના દાવપેચ ખેલતા શકટાલનો આંતરસંઘર્ષ જયભિખ્ખુએ સરસ રીતે નિરૂપ્યો છે. પોતે જેને પ્રાણથી પણ પ્યારી ગણી એવી પાટલીપુત્રની પ્રજા પોતાની વિરુદ્ધ થઈ જાય એ વખતના સંઘર્ષનું વેદનામાં જે રીતે રૂપાંતર થયું છે, એ જ જયભિખ્ખુની નાટ્યાત્મક નિર્માણશક્તિનો વિશેષ અનુભવ બની રહે છે. અહીં સ્થૂળ સંઘર્ષ નથી, ચિત્તનું વેદનામય આંતરમંથન છે.

જયભિખ્ખુએ સંસ્કૃત સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો છે. જૈનશાસ્ત્રોનું પણ શિવપુરીમાં રહી તલસ્પર્શી અધ્યયન કર્યું છે. ઇતિહાસ અને પુરાણનું જ્ઞાન પણ એમની પાસે સારા એવા પ્રમાણમાં છે. એ વાતની પ્રતીતિ આ