પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙ્મય
 

ધર્મનો પ્રચાર કરવામાં કૃતકૃત્યતા અનુભવતા. આ જૈન જતિ હેમુમાં ભાવિ દિલ્હીપતિનાં દર્શન કરે છે. તેના અંતરમાં દિલ્હીશ્વર બનવા માટેની ખ્વાહેશ જ્યોતિષને આધઆરે પેદા કરે છે. પણ એ જ ક્ષણે તેમને યાદ આવે છે પોતાના મિત્ર શેરખાં - શેરશાહને આપેલો કોલ. તેણે ભૂતકાળમાં શેરશાહને દિલ્હીપતિ બનાવવાનો કોલ આપેલો એ યાદ આવે છે. અને મિત્રને આપેલો કોલ પૂરો કરવા તેમના પિતાની અનિચ્છાએ પણ રાજકારણમાં પ્રવેશ થાય છે.

તે સમયગાળામાં હિંદની ભૂમિ નવા નવા વિજેતાઓનાં ધાડાઓનાં આગમનથી રહેંસાતી હતી. પ્રાંતપ્રાંતના સૂબા ને સરદારો સ્વતંત્ર થવાની અધીરાઈવાળા હતા. ચારે તરફ શાહી શેતરંજ મંડાઈ હતી. સ્વાર્થના દાવમાં સગાં વિસરાયાં હતાં. બાબરે આમુદરિયાથી આસામ સુધી ને શિયાલકોટથી રણથંભોર સુધી પોતાનું રાજ્ય જમાવ્યું હતું. એનું લશ્કર નાનું પણ એની ઉપર જાન આપનારું હતું. બાબર રાજનીતિકુશળ હતો પણ ભઆરતની રાજ્યપદ્ધતિથી અજાણ્યો હતો. એના મંત્રીઓ અને વજીરો જ રાજ્ય ચલાવતા. એ તો લડાઈઓમાં દીવાનો બન્યો હતો. એણે એક ગામમાં બે રમજાન મહિના વિતાવ્યા નહોતા. પ્રજાના કલ્યાણ તરફ એનું લક્ષ્ય જ નહોતું. એથી રૈયતને એના માટે પ્રેમ થયો જ નહીં.

ચુનારગઢથી મલિકા લાડુને ત્યાં શેરખાં મહેમાન બનીને રહ્યો હતો. શેરખાંના શેરદિલ વ્યક્તિત્વથી આકર્ષાયેલી લાડુ એના પ્રેમમાં મસ્ત બની હતી. એણે શેરખાને પોતાના ચુનારગઢનો માલિક બનાવવાનું ઇચ્છવું એ દરમિયાન એક વખત શેરખાંના ભાઈ સુલેમાને આપસી ફૂટને કારણે શેરખાંને મિલાક સાથે બાળી મૂકવાનું કાવતરું કર્યું. એમાંથી હેમરાજે બંનેને બચાવ્યા.

આ દરમિયાન દિલ્હીના રાજકીય તખ્તા ઉપરથી બાબરે વિદાય લીધી હતી. એના મૃત્યુ પછી એના ચાર પુત્રો વચ્ચે રાજ્યનો વિસ્તાર વહેંચાઈ ગયો. કામરાનને કાબુલ-કંદહાર મળ્યાં. હિંદાલ મેવાતનો રાજા બન્યો. મીરઝાં અસ્કરીને ચંબલની અને દિલ્હીની ગાદી હુમાયુને મળી. વિશઆલ રાજ્યના ટુકડા થતાં ઐક્યમાં જે શક્તિ હતી એ હુમાયુએ ગુમાવી દીધી. વળી ચારે ભાઈઓ વચ્ચે આપસમાં મનમેળ નહોતો. હુમાયુ બહાદુર હતો