પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૬૫
 

પરદેશીમાં ય મહમદ ગઝનવી, શાહબુદ્દીન ઘોરી, અલ્લાઉદ્દીન ખિલજી કે સિકંદર લોદી ન પેસી જાય, એટલી તકેદારી રાખવી શી ખોટી ? આ પરદેશીઓના હાથે શાસ્ત્ર જળવાય, સ્ત્રીનાં શિયળ જળવાય, ધર્મ ને કર્મ જળવાય, મંદિરો અને મૂર્તિઓ જળવાય એટલું થાય તો ય ગંગા નાહ્યા. આપણા આ પુરાણપાઠીઓ ને વેદપાઠીઓ, આ ચંદ્રવંશીઓ ને સૂર્યવંશીઓ ગજનીના બજારમાં બબ્બે રૂપિયે ન વેચાય એટલું થાય તો યે ઘણું.’ (પૃ. ૨૦૨-૨૦૩)

આગળ જતાં હેમું દલીલ કરે છે કે, ‘પોતાને મનુ મહારાજનું સૂત્ર યાદ આવે છે કે ધર્મનું રુંધન થાય ત્યારે દ્વિજાતિએ શસ્ત્ર પકડવાં.’ આજે ધર્મનું રૂંધન થયું છે માટે પોતે શસ્ત્ર પકડ્યાં છે.’ તેમની આ દલીલ સાંભળી કુંદનદેવી કહે છે : ‘પણ એક હિંદુ ઊઠીને મુસલમાનની મૈત્રી કરે છે ? એના જય-પરાજયમાં મદદ કરે ? જેઓ તમને છૂપી રીતે આ જાતના કામકાજમાં પડેલા જાણે છે, તેઓ ઘણી વાર ટીકા કરે છે. શેરશાહ ગમે તેવા તો ય પઠાણને ? મિંયા ને મહાદેવને કેમ બનશે ?’ (પૃ. ૨૦૩) ત્યારે વિક્રમાદિત્ય હેમુ પોતાનો બચાવ કરતાં કહે છે :

‘કુંદન ! સાચી વાત છે, પણ વાત કરનારા નથી જાણતા કે અમારી મૈત્રી દિલની છે, પૂર્વજન્મના ઋણાનુબંધની છે. હું એને નિરખું છું ને મને રાજા ભોજ યાદ આવે છે, એને જોઉં છું ને હિંદુ-મુસલમાનના ભેદ વિસરી જાઉં છું. એના જેટલો ઉદ્યમી, ખંતવાન, ચારિત્ર્યશીલ બહાદુર બીજો એક પણ રાજા આજે મારી નજરે ચડતો નથી. વળી ધર્મ જુદો હોય તેથી શું થયું ? શૈવથી વૈષ્ણવ ધર્મ જુદો નથી ? વૈષ્ણવથી બૌદ્ધ ધર્મ જુદો નથી ? બૈદ્ધથી જૈન ધર્મ જુદો નથી ? એક ધર્મવાળાએ બીજા ધર્મવાળાઓ પર ક્યાં ઓછા અત્યાચાર કર્યાં છે ? શૈવ-વૈષ્ણવોના બૌદ્ધ-જૈનોના રક્તપાતોથી ઇતિહાસનાં પાનાંનાં પાનાં ભર્યા છે. શતાબ્દીઓ સુધી તેઓ ઝઘડ્યા, પછી ઠંડા પડ્યા ને સમજ્યા કે ધર્મને ઝઘડાનું કારણ ન બનાવવું. આપણું હિત ધર્મભેદ હોવા છતાં મનભેદ રાખવામાં નથી, ને એક બન્યા. એક દહાડો હિંદુ-મુસલમાનનું પણ એમ જ બનવું અનિવાર્ય છે. બાકી કુંદનદેવી ! રાજકાજમાં તો ધર્મનું બહાનું છે. એમાં તો બાપ બેટાનો નથી, બેટો બાપનો નથી, ને જો ધર્મ એક જ હોવાથી ઉન્નતિ થતી હોત તો, આપણા અસંખ્ય રાજવીઓ એક થઈને દેશના દુશ્મનો સામે ઊભા રહ્યા હોત. (પૃ. ૨૦૪-૨૦૫)