પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 


આમ ચિંતનના ભારને ઠીક ઠીક વહન કરતી નવલકથા કલાત્મકતાના બળે સરવાળે નોંધપાત્ર સાહિત્યકતા પણ ધારણ કરે છે. આ નવલકથાનું ગ્રંથન ‘કામવિજેતા’ જેવું ઉત્કૃષ્ટ કોટિનું નથી. એમ છતાં પાત્રપ્રસંગચિત્રણમાં સર્જકનું શૈલીબળ પ્રભાવક તો બનતું જ હોય છે. જેમકે શેરશાહને માટે તેઓ એક સરસ ઉત્પ્રેક્ષા વાપરી તેના પાત્રને ઊઠાવે છે - ‘રેતીના રણમાં જેમ લીલોતરી ઊગે એમ એ ઊગ્યો છે ને આગળ આવ્યો છે.’ (પૃ. ૫૧); એનો મિત્ર હેમુ તરફનો પ્રેમ, સર્વધર્મ સમભાવ (પૃ. ૧૬૩-૧૬૪); અન્ય સ્ત્રી તરફ ખરાબ નજર નહીં નાખવાની વૃત્તિ (પૃ. ૧૭૧); એને હાથે થતું નારીગૌરવ (પૃ. ૧૭૩); એની ઉદારતા, અદલ ઇન્સાફ, પ્રજાપ્રેમ અને કિસાનો તરફની એની વર્તણૂકને લેખક કુશળ ઉપસાવી આપવા પ્રયત્ન કર્યો છે. તો હેમરાજ, હેમુનું પાત્ર પણ આગળ જોયું તેમ શેરશાહની સાથે સાથે જ ઉપસતું આવે છે. મિત્રને ખઆતર થઈને, મૈત્રીને ખાતર થઈને, મિત્રને આપેલા વચનને ખાતર થઈને રાજવી થવાની પોતાની ક્ષમતા હોવા છતાં, રણકુશળતા હોવા છતાં, દીર્ઘદૃષ્ટિ હોવા છતાં એ બધાંનો ઉપયોગ એ પોતાના મિત્ર શેરશાહને દિલ્હીપતિ બનાવવા માટે કરે છે. જ્યાં જ્યાં શેરશાહ રાજવી તરીકે ચૂક કરે છે ત્યાં એનો પથદર્શક બનીને એને સાચા રસ્તે દોરે છે. શેરશાહનાં યુદ્ધો હકીકતમાં એની સમરવીરતાથી જ જિતાય છે. સામ, દામ, દંડ અને ભેદવાળી એની યુદ્ધનીતિ ઘણીવાર ઓછા વિનાશે મોટો વિજય પ્રાપ્ત કરાવે છે. એ પ્રેમાળ પતિ પણ છે. કુંદનદેવી તરફ એને અમોઘ પ્રેમ છે. સાથે સાથે આજ્ઞાપાલક પુત્ર પણ છે. યુદ્ધ અને રાજનીતિ એની રગેરગમાં હોવા છતાં પિતાની ઇચ્છા રાજકારણમાં પુત્ર ન પડે એવી હોવાને કારણે જ ઝવેરી તરીકેના ધંધામાં તેણે ફાવટ કેળવી હતી. રાજ્યપદપ્રાપ્તિની ખેવના એને નહીંવત્ છે અને એટલે જ શેરશાહના મૃત્યુ પછી તે પાછો માદરે વતનમાં પિતા-પત્ની પાસે ચાલ્યો આવે છે પણ જ્યારે જ્યારે મિત્રના સ્નેહીઓ દ્વારા એને મદદ માટે બોલાવવામાં આવે છે ત્યારે ત્યારે તે તૈયાર થાય છે. પોતાની રણકુશળતાથી મિત્રના પુત્રને જિતાડે છે. નવલકથાના અંતભાગે દિલ્હીની ગાદી માટે લાયક અન્ય કોઈ રાજવી ન રહેતાં પોતે રાજ્યપદ ગ્રહણ કરે છે.’

શેરશાહ-હેમરાજની સાથે સાથે સતત પતિપ્રેમ માટે ઝૂરતી શેરશાહની