પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

નિરૂપાયેલો આ પ્રસંગ શ્રી રામપ્રસાદ શુક્લ કહે છે તેમ ‘કર્તાની કોઈ વિશિષ્ટ અનુભૂતિમાંથી આપોઆપ ઉપસી આવતો હોય એવો અસરકારક’ બન્યો છે. (કાર્યવાહી, સને ૧૯૪૮-૪૯). સાંપ્રદાયિકકથા અંશો દ્વારા લેખકે અહીં સામાન્ય માનવઅંશોનું નિરૂપણ આર્યસંસ્કૃતિની વ્યાપક પ્રણાલિકા અનુસાર કર્યું છે. દેહની બત્તી કરી, રુધિરનું તેલ કરી, જીવનને શાસનસેવા માટેની જલતી મશાલ બનાવી દેનાર પદ્મસુંદર જતિનું પાત્ર જયભિખ્ખુની અનુપમ પાત્રચિત્રણકલાનો યાદગાર નમૂનો બની રહે છે.

આ પ્રસંગના આલેખન દરમિયાન જૈનધર્મી લેખકનું સાંપ્રદાયિક માનસ પણ ઠીક ઠીક અંશે પ્રગટ થાય છે. ‘રાજાધિપાનાં શાંતિર્ભવતુ’ (પૃ. ૯૫) પ્રકરણમાં જૈન ધર્મ સાંપ્રદાયિક રૂપે ઊપસ્યો છે. આ પ્રકરણ જૈનધર્મી વાચકોને જ સમજાઈ શકે એવું બન્યું છે ત્યાં રામપ્રસાદ શુક્લે કરેલી ટકોર ‘સામાન્ય વાચકો કરતાં જૈન વાચકોને આ નવલકથા વધારે ગમશે’ (કાર્યવાહી, ૧૯૪૮-૪૯) સાચી પણ લાગે છે.

પદ્મસુંદરનો આ અતિ શાસનપ્રેમ એમના ગુરુના મુખે ટીકાપાત્ર બને છે. ધર્મને રાજસિંહાસનનો સર્વોપરી બનાવવાને બદલે એનો આશ્રિત બનાવી દેવાની પદ્મસુંદરની પદ્ધતિની તેઓ ટીકા કરે છે. રાજકારણને સાધન બનાવી ધર્મભાવનાને સાધ્યરૂપે વિકસાવવાની પદ્મસુંદરની ઝંખનામાં રહેલી ભૂલ બતાવતાં તેઓ કહે છે કે પવિત્ર સાધ્ય માટે સાધન પણ પવિત્ર જ જોઈએ. અલબત્ત, તેઓ રાજપદનો તિરસ્કાર કરવાનું સૂચવતા નથી પણ રાજા દેવ ન બની બેસે એની તકેદારી ધર્માચાર્યોએ રાખવાની છે એને બદલે ધર્માચાર્યો જ ધર્મને માટે રાજાને દેવ બનાવી બેસે તે સારું તો નથી જ. ધર્મનું સાચું કર્તવ્ય તો એ છે કે એણે રાજાને માનવી રાખવાનો છે, અને પ્રજા જે રાજશાસન અને ધર્મશાસનનું એક જરૂરી અંગ છે એમાં પ્રાણ પેટાવવાનો છે. પ્રજાનો પ્રાણ આજે જ્યારે મરતો જાય છે ત્યારે એને જગવવો એ જ ધર્મગુરુઓનું સાચું કર્તવ્ય છે. પદ્મસુંદર અને એમના ગુરુના મુખે ચર્ચાયેલી આ ચિંતનવાણી, જયભિખ્ખુની નવલકથાઓ એક જીવનધર્મી લેખકની સંસ્કારઘડતર કરનારી કથાઓ છે એનું ઉદાહરણ પૂરું પાડે છે.

વિધિના વિધાનને ફેરવવાની અસમર્થતાના સ્વીકાર સાથે પદ્મસુંદર મૃત્યુને ભેટે છે. બીજી બાજુ દિલ્હીમાં યુદ્ધ માટેની તૈયારીઓ પૂરવેગથી ચાલે