પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૭૫
 

જલાવી એનો સન્માનપૂર્વક અગ્નિદાહ કરાવે છે. આ સમાચાર મુગલ સૈન્યમાં અને તે દ્વારા અકબર સુધી પહોંચે છે, ત્યારે આ બાગી સ્ત્રીને પકડવાનું નક્કી થાય છે પણ ત્યાં ઓચિંતી આવી પડેલી ચિંતામણિ અકબરશાહને અટકાવે છે અને પૃથ્વી પર પડેલા રત્નોના પરીક્ષક બનવાનું સૂચવે છે. હિંદવાણી ઉપર મોગલસત્તાના ઊગતા સૂર્યનાં દર્શન સાથે નવલકથા સમાપ્ત થાય છે.

‘ભાગ્યનિર્માણ’ નવલકથાને ઐતિહાસિકતાની દૃષ્ટિએ તપાસીએ તો નવલકથાની મુખ્ય ઘટના - હેમુનું પાણીપતના મેદનામાં અકબર સાથેનું યુદ્ધને લેખકે કોઈપણ જાતના કલ્પનાના રંગો પૂર્યા સિવાય ઇતિહાસને વફાદાર રહીને નિરૂપી છે. પાણીપતના યુદ્ધમાં હેમુની થયેલી હારનાં જે મુખ્ય કારણો અને પરિસ્થિતિ ઇતિહાસે જણાવ્યાં છે એ સૌ ‘ભાગ્યનિર્માણ’માં પણ એના એ જ રૂપે આલેખાયાં છે. આ સિવાયની ઘટનાઓમાં કલ્પનાના તાણાવાણા હીરદોરે નવલકથાને ગૂંથે છે. કર્તાની કલમનું સાચું બળ ચિંતામણિના પાત્રસર્જનમાં, જતિની શાસનપ્રભાવનાના નિરૂપણમાં અને હેમુના શબના અંતિમ સંસ્કારો પરત્વેની ઘટનાના આયોજનમાં છે. ચિંતામણિનું પાત્ર નવલકથામાં માધુર્ય લાવે છે તો શેરશાહની પત્ની લાડુ મલિકાનું પાત્ર માનવમહત્તાની સાચી સમજ કેવો ગંભીર હૃદયપલટો કરી શકે છે, એની પ્રક્રિયાનું દ્યોતક બને છે.

આ કથામાં થોડા સમય માટે દેખાતું પણ પછીની નવલકથા ‘દિલ્હીશ્વર’ના નાયકપદે વિરાજતું અકબરનું પાત્ર પણ અહીં તેજતણખા તો વરે જ છે. સાહસ અને શૌર્યની જીવંત મૂર્તિ સમાન કિશોર અકબરનું ચંગેજી એને પહેલો પાઠ એ શીખવ્યો છે કે સહુની સાથે સુલેહ કર - સુલેહે યે કુલ - આદર્શ બાદશાહત એ એને ગણે છે જ્યાં હિંદુ સ્ત્રીઓની સૌભાગ્યચૂડી અને મુસલમાન સ્ત્રીની ચાદર સલામત રહે, સહુનાં ઇમાન અને ઇન્સાનિયત કાયમ રહે.

નવલકથામાં ધર્મોપદેશરૂપે આવી જતું ચિંતન ક્યાંક કઠે છે તો ક્યાંક પ્રેરણાત્મક નીવડીને સ્વતંત્ર રીતે પણ આસ્વાદ્ય બને છે. કેટલાક ચિંતનાત્મક ખંડો જેવા કે –

બહેરામખાન નિરાશ અકબરને કહે છે : ‘પૃથ્વી કંઈ કુંભારના ચાકડા