પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

પરનો માટીનો પિંડો નથી કે ઉતારી લઈએ. લીલાં માથાંની કલમ વાવીને, લોહીનાં પાણી પાઈને, હાડમજ્જાનાં ખાતર પૂરીને એને ઉગાડવી પડે છે.’ (પૃ. ૬૧)

જૈન જતિ પદ્મસુંદર કહે છે : 'દેહ અને દેશ સરખા ગણો, બંનેના કલ્યાણ માટે પારકાનો ભરોસો ખોટો છે. પ્રત્યેક ઘરે એક સૈનિક ને એક સાધુ સમાજને આપવો ઘટે. ગૃહસ્થ પર એટલું સમાજનું ઋણ.’ (પૃ. ૭૩).

તો યુદ્ધ તરફનો અણગમો વ્યક્ત કરતાં લેખકનું ચિંતનશીલ મગજ આવું વ્યથિત બને છે :

‘આપણે પશુ બચાવીએ, પાંજરાપોળો બંધાવીએ; પક્ષીઓને બચાવીએ, પરબડીઓ બંધાવીએ; મત્સ્ય બચાવીએ, અરે પાણીનાં પોરાંને પણ અભયદાન આપીએ. પાણી ગળાવીએ; પણ શું આ દીપકની જ્યોતિમાં બેળે બેળે બળી મરતાં ફૂદાં જેવા માણસને ન બચાવી શકીએ ? માણસની સમૃદ્ધિનું અંતિમ, એના પુરુષાર્થની પરાકાષ્ઠા, એની મહત્તાની છેલ્લી ટોચ કેવળ યુદ્ધ જ ? યુદ્ધ એ જ એનો વિકાસ ? વધુ માનવસંહાર એ એની પ્રગતિ ? શું યુદ્ધ વિનાનો સંસાર ન નિપજાવી શકાય ?’ (પૃ. ૯૧)

ધર્મને રાજસિંહાસનોનો સર્વોપરી બનાવવાને બદલે એનો આશ્રિત બનાવવા તરફનું દુઃખ આપણે આગળ પદ્મસુંદર અને એના ગુરુની ચર્ચામાં વ્યક્ત થતા ચિંતનરૂપે જોયું છે. અન્ય નવલકથાઓમાં પણ લેખકે ધર્મના રાજકારણ દ્વારા થતા દુરુપયોગ તરફ પોતાની નાપસંદગી બતાવી છે. એ જ વિચાર આ નવલકથામાં પણ લેખક દ્વારા ઘૂંટાય છે.

ગદ્યશૈલીની દૃષ્ટિએ કૃતિને તપાસીએ તો જયભિખ્ખુની શૈલી અન્ય કેટલીક નવલકથાઓની જેમ અહીં પણ તાજપનો અનુભવ કરાવે છે. ક્યાંક કાવ્યાત્મક અને દૃશ્યાત્મક સંવાદ પ્રયોજીને (પૃ. ૫), ક્યાંક ‘વ્યાકરણ ભણી લાગે છે નારી, મને તો વ્યાધિકરણનો પ્રેમ નથી.’ (પૃ. ૯)ની જેમ શબ્દરમત આદરીને તો નવલકથાના અંતભાગે અકબર સાથેના ચિંતામણિના મિલનને રમણીય કલ્પનાથી આવી રીતે મઢી લેતી શબ્દસૃષ્ટિ ‘પરોઢના પંખેરું જાગતાં હતાં, એ વેળા જાણે રૂપનું પંખી પાંખ દબાવીને પુરુષાર્થીના ખોળામાં માળો કરીને બેઠું હતું. દૂર દૂર ક્ષિતિજમાં ઊગતો મોગલ સત્તાનો સૂર્ય ત્યારે હિંદની