પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૭૭
 

ધરતીને પહેલી વાર ચૂમતો હતો.’ (પૃ. ૨૭૧)થી પણ લેખક ગદ્યશૈલીને રમણીય બનાવે છે.

ઉપમા, જયભિખ્ખુને સૌથી વધારે પ્રિય જણાય છે. કેટલીક તાજી ઉપમાઓ જેવી કે ‘હાખીદાંતમાં કંડારેલી પ્રતિમા શી સુંદરી’ (પૃ. ૨), આકાશના તારાની જેમ નીચે ખરતા વેણીનાં ડોલર કૂલ (પૃ. ૩), ઝાકળના બિંદુ જેવાં તારાં ગીત (પૃ. ૧૩), એક દાંત પડી ગયેલા બુઢા આદમી જેવા દાંતા વિનાનો દાંતિયો (પૃ. ૨૦), ચંપકકળીના ગુલદસ્તા જેવા બે પગ (પૃ. ૩૨), માશૂકની લાલ છાતી જેવા તડબૂચ (પૃ. ૩૯), ડાલામથ્થા સિંહ જેવું મહા ગુરુનું મસ્તક (પૃ. ૧૧૩), આત્માની કેદ જેવો રાજમહેલ (પૃ. ૧૩૮), સ્વપ્ન પરી જેવું મૃત્યુ (પૃ. ૧૩૯), નમ્રતામાં નેતરની સોટી જેવા (પૃ. ૨૧૧), સૂડાની ચાંચ જેવું નામ (પૃ. ૨૬૫), જેવા દૃષ્ટાંતોથી જોડી શકાય છે કે નવલકથાના ગદ્યને પણ એ અલંકાર સાર્થક કરે છે.

મુસ્લિમ વાતાવરણ જમાવવા ઉર્દૂ જબાની શબ્દપ્રયોગ પણ ક્યારેક લેખક કરી લે છે ! અલબત્ત; એમાં સતત સાતત્ય જળવાતું નથી છતાં - કાબિલેદિલ (પૃ. ૨૧), મુર્ગદિલ (નિર્બળ પૃ. ૨૪), ઝારઝાર (પૃ. ૫૫), ઉમરદરાજ (પૃ. ૫૫), જંગે બહાદુર (પૃ. ૫૭), સાલારે જંગ (પૃ. ૬) જેવાં નોંધી શકાય. ક્યાંક શૈલીદોષ પણ લેખકથી અજાણતાં થઈ ગયો છે, જેમ કે અકબરના મુખમાં અંગ્રેજી શબ્દ લેખક મૂકી દે છે ! ‘તમારા બંને લોક ન બગાડશો નહિ તો દુનિયાના આલ્બમમાં તમે ધિક્કારપાત્ર દેખાશો.’ (પૃ. ૮૧-૮૨)

વ્યક્તિત્વવર્ણનમાં આરંભમાં જ આવતું ચિંતામણિનું રૂપવર્ણન નોંધી શકાય (પૃ. ૨, ૩, ૪, ૩૨), એ જ રીતે સૂરદાસનાં બાહ્ય સૌંદર્યનું ચિત્રાત્મક વર્ણન (પૃ. ૫ ઉપર) મળે છે. બહેરામખાનનું વર્ણન અલંકારની આતશબાજી સમાન છે. (પૃ. ૬૪). હેમુના મૃતદેહનું વર્ણન બિભત્સ વર્ણનના નમૂનારૂપ છે. (પૃ. ૨૬૨). હેમુની શાહી સવારીના વર્ણનમાં વિગતો ઘણી આવે છે પણ વર્ણનની ચારુતા એમાંથી નિપજી આવતી નથી. (પૃ. ૨૬, ર૭). સુંદર પ્રકૃતિદૃશ્યો લેખક આવી કુમાશથી ક્યારેક ચિત્રકારની અદાથી નિપજાવી આપે છે. આકાશના ચહેરા ઉપરથી અંધકાર વધુ ને વધુ ધોવાઈ રહ્યો હતો. (પૃ. ૧૮)