પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૭૯
 

યુવાનોની સાથે જવાને બદલે કેટલાક જૈન જતિ ધર્મને કાજે પોતાનું બલિદાન આપવું ઉચિત સમજે છે. એમની સાથેની વાતચીત અકબર અને બહેરામખાંના ચિત્તમાં ધર્મ અંગેનો કેટલોક નવો પ્રકાશ પાથરે છે, ત્યાંથી આ ભાગની કથા આરંભાય છે.

ચિંતામણિના પ્રેમનો દિવાનો બનેલો સૂરદાસ ઘરમાં પતિવ્રતા સ્ત્રીનાં પ્રેમ, આજીજી અને કરુણાને ઠુકરાવી મેઘલી રાતે પ્રિયતમાને મળવા વીજ, વર્ષા અને વંટોળની પરવા કર્યા વિના નીકળી પડે છે. રસ્તામાં એનું મિલન થોડી ક્ષણો માટે અકબરશાહ સાથે થાય છે. ચિંતામણિની પ્રેમની ભક્તિથી ઈશ્વરને શોધતા મસ્ત સૂરદાસે ચિંતામણિને કાજે પત્ની-પુત્ર-પૈસો-પરિવાર સઘળું ત્યજી દીધું હતું અને ચિંતામણિ પાસે દોડી આવ્યો હતો. આવા તોફાની વાતાવરણમાં પૂરથી ભરેલી જમુના ઓળંગીને સૂરદાસ કઈ રીતે ચિંતામણિના મહેલ સુધી પહોંચ્યો એ જ્યારે ચિંતામણિ સૂરદાસ દ્વારા જાણવા ઇચ્છે છે ત્યારે સૂરદાસ પોતે જમુના કયા તરાપાથી પાર કરી તે બતાવવા તેને લઈ કિનારે જાય છે. જેને સૂરદાસે તરાપો માની નદી ઓળંગી એ તો હતું એના જ કિશોરનું મડદું ! આ મૃતદેહને ગઈ કાલે અતિવર્ષાને કારણે અગ્નિદાહ દઈ શકાયો નહોતો અને જમુનામાં વહાવી દેવાયો હતો. એક ક્ષણ માટે આ હકીકત જાણીને સૂરદાસને પોતાને પણ આઘાત લાગે છે પણ પછી તરત જ પોતાની જાતને એમાંથી બહાર કાઢી લેતાં તે બોલી ઊઠે છે, ‘ચિંતા ! મારે વળી પુત્ર કેવો ? પત્ની કેવી ? પિતા કેવા ? ઘરબાર કેવાં ? અરે, મસ્ત ફકીરને વળી આ માયાજાળ કેવી ? ધકેલી દે આ શબને ફરીને યમુનામાં ! ચિંતા ! સૂર તો કોઈનો પિતા નથી અને કોઈ પુત્ર નથી !’ (પૃ. ૪૮).

પોતાનું સર્વસ્વ ત્યજીને ચિંતામણિના પ્રેમના યોગી બની નીકળી આવેલા સૂરદાસને જ્યારે જાણ થાય છે કે ચિંતામણિ મોગલો અને રજપૂતોને એક કરવાનું સ્વપ્ન આંખમાં આંજીને દેશાટને નીકળી રહી છે ત્યારે તે એને રાજકારણ જે અનેક ખટપટોનું કેન્દ્રસ્થાને છે એ ત્યજી દઈ ઉચ્ચ પ્રેમની ભૂમિમાં લયલીન થવા સમજાવે છે પણ ચિંતામણિને હમણાં પોતાના આ સ્વપ્નને સાકાર કરવામાં જ રસ છે. મજહબી મારામારીને પોતાના દેશમાંથી વિદાય અપાવી પ્રેમનું સુરાજ્ય સ્થાપવાની એની ઝંખના છે. એ ઝંખનાને સાકાર કરવાની શક્તિ એને અકબરશાહમાં જણાય છે. એણે શેરશાહને