પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

જોયો હતો જે એકલી સત્તાની મૂર્તિ હતો. વિક્રમાદિત્ય અને બુદ્ધિ-શક્તિની મૂર્તિ સમાન જણાયો હતો જ્યારે અકબરશાહમાં જણાય છે. એણે શેરશાહને જોયો હતો જે એકલી સત્તાની મૂર્તિ હતો. વિક્રમાદિત્ય અને બુદ્ધિ-શક્તિની મૂર્તિ સમાન જણાયો હતો જ્યારે અકબરશાહમાં એકસાથે સત્તા, બુદ્ધિશક્તિ, અને સંસ્કારિતાનો અજબ સમન્વય એણે પારખ્યો હતો. અહીં લેખક ચિંતામણિ-સૂરદાસના લંબાણયુક્ત છતાં ચિંતનરસે રસેલા સંવાદો દ્વારા અકબરના સંસ્કારી, શૂરવીર અને દીર્ઘદૃષ્ટા વ્યક્તિત્વને ઉપસાવે છે. (પૃ. ૫૬, ૫૭, પ૮). આ અકબરશાહ નરરત્ન પરીક્ષક છે. એ માને છે કે તલવારથી સામ્રાજ્ય મેળવી શકાય, પણ સંભાળી ન શકાય. માત્ર તાકાતથી જ સમ્રાટ બની ન શકાય. સમ્રાટપદ માટે તો પ્રેમ, વિશ્વાસ, દયા ને ક્ષમા જોઈએ. વિજેતા દેશ ઉપર મેળવેલો અધિકાર જાળવી રાખવો હોય તો તે દેશના રહેવાસીઓના ઉદ્દેશ અને રહેણીને લક્ષમાં લેવાં જોઈએ. સૂરદાસ અકબરના આ વિચારો સાથે સહમત નથી. તે ચિંતામણિ સમક્ષ પોતાના વિચારો પ્રગટ કરતાં કહે છે કે દેશનો ઉદ્ધાર ધર્મ સિવાય થઈ શકે નહીં. સંસ્કૃતિ ધર્મથી જ જીવશે. ચિંતામણિ પણ સૂરદાસ સાથે સહમત થતાં કહે છે કે અકબરને પોતે આ જ વાત સમજાવી હતી કે દેવની પ્રતિષ્ઠા હૃદયમાં હોય છે. હૃદય જીતો તો બધું જિતાશે. કોઈ પ્રજાનો ઇતિહાસ તલવારથી અને તાકાતથી કદી ભૂંસી શકાયો નથી.

ચિંતામણિને અકબરના વ્યક્તિત્વનો જે પરિચય થયો છે તે મુજબ પુષ્પ જેવો કોમળ અકબર સમય આવ્યે યમ જેવો દુઃસહ પણ થઈ શકે છે. ભારત જીતનાર બીજા વિજેતાઓ જેવા પૂર્વગ્રહો એનામાં નથી. એનું વીરત્વ કદી ગફલત કરતું નથી. આવા અકબરને એણે વચન આપ્યું છે કે પોતે રજપૂતોની મૈત્રી મુગલો સામે લઈને આવશે અને અકબરશાહે એમને ઊંચા હોદ્દા આપવાના રહેશે.

જીવનની અનેક પ્રકારની વિટંબણાઓમાંથી પસાર થયા પછી ચિંતામણિમાંનું સ્ત્રીત્વ ક્યારનું મરી ગયું હતું. સૂરદાસે એનામાં સખીભાવ જાગ્રત કર્યો હતો એમાં અકબરશાહે આવીને આ એક નવી મહત્ત્વાકાંક્ષા ચિત્તમાં જગાવી હતી. ક્ષણભંગુર જીવનને આ ઉદ્દેશ અર્થે ખર્ચી નાખવા મરદના લેબાસમાં સજ્જ થઈને એ દેશાટને નીકળી પડી હતી.