પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૮૧
 

જાગીરદાર છત્રસિંહ બનીને નીકળી પડેલી ચિંતામણિને દેશનું જે દર્શન થાય છે એ ખૂબ જ કરુણ અને હૃદયદ્રાવક છે. જે ગામડાંઓમાં ગ્રામનારીનાં ગીતો સદા ગુંજતાં હતાં, જે નદીઘાટ ઉપર સ્ત્રીઓ નિ:સંકોચ નિર્વસ્ત્ર સ્નાન કરતી હતી એ સૂનાં હતાં. કોઈ સ્ત્રી એકલી બહાર નીકળતી નહોતી અને તે એની પગની પાની પણ ન દેખાય તેવો વેષ પરિધાન કરતી હતી. પુરુષો પણ ચોરે ને ચકલે મરેલા ભૂત જેવા બેઠા હતા. એમના દેદાર કંગાલ હતા. વાતો બહાવરા જેવી હતી. શંકા, વહેમ અને ભીતિ એમને ઘેરી વળ્યાં હતાં. ભૂત-પ્રેતમાં એમનો વિશ્વાસ દૃઢ બનતો જતો હતો.

ગામડાં લૂંટાતાં હતાં. લૂંટારા ગામની સ્ત્રીઓને ઉપાડી જતાં. ભૂલેચૂકે એ સ્ત્રીઓ લૂંટારાના સકંજામાંથી નાસી છૂટી પાચી આવતી તો એને કુટુંબના સ્વજનો પાપિણી ગણીને ધુત્કારતા – અપવિત્ર ગણીને હડસેલી દેતા. કોઈ કૂવો એવો નહોતો જેમાં પાંચ-દશ સ્ત્રીઓ અપમૃત્યુ પામી ન હોય.

માર્ગમાં હરિયાળાં ગૌચર સૂનાં પડ્યાં હતાં, કારણ કે લશ્કરોના ભોજન માટે ખેતીનાં પશુ કપાઈ ગયાં હતાં. અન્નનાં કણથી ઊભરાતાં ખેતરો સાવ સ્મશાન સમાં સુનાં પડ્યાં હતાં. રજપૂત બહારવટિયાઓ ભોળા ગ્રામજનોને ખેતી કરવા દેતા નહોતા.

ખેડૂતોના ઘરમાં ખાવા દાણો નહોતો. વેપારીઓ પાસે અન્નભંડાર સંઘરાયેલા પડ્યા હતા પણ તેઓ પ્રજાને આપવા કરતાં લશ્કરને આપવાનું વધારે પસંદ કરતાં એમાંથી એમને મોં-માગ્યા ભાવ મળતા. કેટલાક સ્વાર્થી વેપારીઓની રીતિનીતિ અહીં લેખક નજરે કટાક્ષ બનીને આવે છે. દેશનું આ વરવું દર્શન ચિંતામણિને દુઃખી બનાવે છે. એને થાય છે કે ‘વેશ્યા હું છું, પણ વ્યભિચાર તો આખું જગત ચલાવે છે.’ (પૃ. ૯૭)

દેશાટને નીકળેલી ચિંતામણિએ જોયું કે પરદેશીઓએ જેટલો દેશને બરબાદ કર્યો છે એનાથી વધુ તો સ્વદેશીઓથી, એમના વ્યવહાર, વર્તન, અંધમાન્યતા અને જડ વિચારસરણીથી દેશ બરબાદ થયો છે. ક્ષત્રિયો કે જેમનું કામ દેશના રક્ષણનું હતું એમની ખાનદાની વધુ સ્ત્રીઓને પરણવામાં, એમનું શૂરાતન ગરીબ વર્ણને હેરાન કરવામાં ને એમની મોજ અફીણમાં જ પૂરી થતી પ્રત્યક્ષ નિહાળી ચિંતામણિનું હૃદય ઉદાસ બની ગયું.

ગામેગામ ફરતાં ચિંતામણિને એક દિવસ ભોળાશંકર નામના પૂજારીનો