પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

પરિચય થયો જેના દ્વારા તે રજપૂત બહારવટિયાઓ સુધી પહોંચે છે. વીરસિંહ બુંદેલો એમાં મુખ્ય છે. એમની પાસે પહોંચી પોતાના ભૂતકાળની કથની કહીને ચિંતામણિ એમને મોગલો સાથેની મૈત્રી માટે રાજી કરે છે.

કથાનો એક અંકોડો અહીં અટકે છે. ચિંતામણિના દેશાટનને અને એ દ્વારા દેશની દુર્દશાના ચિત્રને પ્રત્યક્ષ કરીને નવલકથાકારે અકબરના રાજ્યકાળના આરંભે હિંદની સામાજિક પરિસ્થિતિ કેવી હતી એનો ચિતાર તાદૃશ રીતે આપ્યો છે. નવલકથામાંનું ‘ભૂતિયો વડ’ (પૃ. ૭૭) પ્રકરણ તો કથાને સીધી રીતે તો ક્યાંય ઉપયોગી નીવડતું નથી. આ આખુંયે પ્રકરણ આડકથા જેવું છે. છતાં સમાજનાં વહેમ, અંધશ્રદ્ધા અને મુસ્લિમ સમયના ગુજરાતનું જનજીવન એમાં ગદ્યના એક આગવા મિજાજથી લેખકે વ્યક્ત કર્યું છે. ટૂંકા વાક્યો અને દૃશ્યાત્મક શબ્દાલિથી પેદા થતો ગદ્યનો એક સુંદર મરોડ અહીં અનુભવવા મળે છે.

મુસ્લિમોના હાથમાં દેશ ગયો એનું કારણ રજપૂતોમાં બહાદુરી નહોતી એવું નહીં, પણ એમનામાં સંપનો જે અભાવ હતો – ડહાપણનો અભાવ હતો એ વાત લેખક એક રજપૂત બહારવટિયાના મુખે કબુલાવતાં કહે છે : 'અમારામાં સંપ નથી, ડહાપણ નથી. યુદ્ધ છે પણ યુદ્ધની નવી કરામતો નથી. પ્રજાનો અમને સાથ નથી. શુદ્ધ અમલ નથી. અંતઃપુરની સૌંદર્ય-આગે અમને શેકી નાખ્યા છે !' (પૃ. ૧૦૩) દેશની દુર્દશાનું વાસ્તવચિત્રણ અહીં ચિંતનરૂપે પાત્રમુખે લેખક દ્વારા પ્રગટે છે.

‘ગણિકાની આત્મકહાની’ પ્રકરણ એમાંના ભાવાત્મક ગદ્યને કારણે નવલકથામાં જુદી ભાત પાડે છે. આ પ્રકરણમાં ચિંતામણિ પોતે ગુણકા શેના કારણે સર્જાઈ એ કથા રજપૂત વીરો સમક્ષ વર્ણવે છે. રજપૂતોના કુસંપે કેવી રીતે એક અફઘાન બાદશાહને હિંદુસ્તાનમાં વિજેતા બનાવ્યો એની કથની કહેતાં કહેતાં ચિંતામણિ કરે છે કે પોતે અને પોતાના જેવી અનેક ગભરું બાળાઓને ગુણકા બનવું પડ્યું. એનું કારણ રજપૂત રાજાઓનો કુસંપ, પરસ્પર સ્વાર્થનો સંબંધ ને લાંબુ વિચારવાના ડહાપણનો અભાવ ! એ વેળા સુલતાન શેરશાહ એક છત્ર રાજ્ય હાંસલ કરવા મથતો હતો. એને ડર હતો કે મારવાડ અને માળવાના રાજાઓ એક થઈ અને એમની હાકલે બીજા રજપૂત રાજાઓ જાગી જાય તો ભારત જીતવો ભારે પડે. એટલે એણે એક