પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૮૩
 

પછી એકને જીતવા માંડ્યા. રજપૂત રાજાઓ પણ પોતાના મિથ્યાભિમાન અને કુસંપમાં આંધળા બન્યા હતા. એમને હતું કે એક રજપૂત સો પઠાણને ભારે પડશે. આ મિથ્યાભિમાનથી એમણે પ્રજાને યુદ્ધ માટે તૈયાર કરી નહીં. જ્યારે ઇસ્લામના પ્રત્યેક માથે તો સિપાહીગીરી ફરજરૂપ હોય છે. હિંદુઓમાં તો ચારમાંથી એક લડે છે અને બાકીના જમે છે, કાં વેપાર કરે છે.

આ શેરશાહે ચિંતામણિના પિતા રાવ પૂરણમલને દગાથી માર્યા માર્યા એટલું જ નહીં, એની બાળપુત્રીને તફાવય બનાવવા માટે સોંપી દીધી એ જ ચિંતામણિ જ્યારે યુવાન થઈને જેણે પોતાને ઉછેરી એ તવાયફના મુખે આ કથા સાંભળે છે ત્યારે શેરશાહને મોતને ઘાટ ઉતારી પોતાના વેરનું તર્પણ કરે છે. એ પછી રાજા બનેલો વિક્રમાદિત્ય હેમુ પણ શેરશાહનો મિત્ર હોવાને કારણે જ ચિંતામણિ દ્વારા પાણીપતના યુદ્ધમાં મૃત્યુ પામે છે. ચિંતામણિની વેરભાવના બાદશાહ અકબરના સંપર્કમાં આવ્યા પછી આથમી ગઈ. ‘સહુ સાથે સુલેહ’નો અકબરનો મંત્ર એને જચી ગયો. પોતાની વેરભાવનાને કારણે રણજંગના જાદુગર હેમુનો વધ થયો અને હિંદુસ્તાનમાં અંધાધૂંધી વ્યાપી ગઈ. રૈયત ત્રાહતોબા પોકારવા માંડી. રજપૂત બહારવટિયાઓ દ્વારા અનેક પ્રકારની કનડગતનો ભોગ બનેલી ભોળી પ્રજાને અને રજપૂતોને પણ સાચો માર્ગ બતાવવા નીકળેલી ચિંતામણિ વીરસિંહ બુંદેલાને કહે છે કે હવે પોતે પણ પોતાનો વ્યવસાય ત્યજી દે છે, પોતાની સંપત્તિ દેશ કાજે અને જીવન પરમાર્થ કાજે વાપરશે એવી પ્રતિજ્ઞા લે છે.

પોતે લીધેલી પ્રતિજ્ઞા અનુસાર ચિંતામણિએ જીવનમાં અસાધારણ પરિવર્તન આણી દીધું હતું. આગ્રા પાછા ફર્યા બાદ એણે જીવનને સાદગીમય બનાવી દીધું હતું. ગીત, વાદ્ય ને નૃત્ય ઓછાં થઈ ગયાં હતાં. ભાગવતનું પારાયણ વધ્યું હતું. એક સમયે એની પાસે આવેલા રજપૂતોને તે ભાગવાતમાંથી નારીગૌરવનો અને એ દ્વારા સત્તાના સામર્થ્યના કેન્દ્રીકરણનો મહિમા સમજાવે છે. તે રજપૂતોને કહે છે ‘ક્ષત્રિયવીરો, તમારા અંતઃપુરમાં તમે કેટકેટલી સ્ત્રીઓ એકઠી કરો છો ? પણ એમાં રૂપ સિવાય બીજું કંઈ જુઓ છો ? સામાન્ય જન કરતાં રાજાને વિશેષ રાણીઓ કરવાની છૂટ છે, પણ શા માટે ? એ રાણીઓ દ્વારા પોતાનું રાજ્ય વિશાળ અને પુષ્ટ કરવા માટે, નહિ કે નિરર્થક ક્લેશ, કંકાસ ને લડાઈ કરવા માટે.’ (પૃ. ૨૧૫)