પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

આ સંદર્ભમાં તે અનેક દાખલા આપે છે. ઓખામંડળના રાજા રેવત, યાદવ સત્રાજિતની પુત્રીઓને કૃષ્ણ વરે છે અને એ દ્વારા શત્રુને મિત્ર બનાવી રાજ્યને મજબૂત બનાવે છે. લોહીના સંબંધોની સાંકળોની ખૂબ કંઈક અનેરી છે એ અનેક દાખલાઓ દ્વારા ચિંતામણિ રજપૂતોને સમજાવી એમનામાં એક નવી ચેતનાનો સંચાર કરે છે. વેશ્યામાંથી વનિતા બનેલી, ઝેરીલી નાગણમાંથી નમણી નાગરવેલ બનેલી ચિંતામણિની રજપૂત વીરો સાથેની આ પ્રેરણાત્મક સંગોષ્ઠિ સમયે સૂરદાસ આવી પહોંચે છે. સૂરદાસના આગમનને લેખક આવી સરસ કલ્પનાથી નિરૂપે છે – ‘એ વખતે પાછળના ખંડમાંથી ચાખડી પર ચડીને કોઈ આવતું હોય એવો ખટપટ અવાજ આવ્યો. અવાજ તાલબદ્ધ હતો, કોઈ લયબદ્ધ ગીતને ટેકો આપતા તબલચીના જેવો સુયોજિત.’ (પૃ. ૨૧૮)

સૂરદાસના આગમને ચિંતામણિમાં આવેલું પરિવર્તન લેખકના કૅમેરામાં આવું ઝિલાય છે – ‘સુકાયેલા સુરજમુખીને જાણે સૂર્યના રશ્મિ સ્પર્શ્યાં !’ (પૃ. ૨૧૯) કે પછી સૂરદાસનું ચિંતામણિ સાથેનું બોલવું – નવલકથાકારને એમાં આવું સુંદર વાણીમાધુર્ય જણાય છે – ‘જાણે કવિતા સ્વયમ્ બોલતી હોય તેવું માધુર્ય.’ (પૃ. ૨૧૯-૨૦)

સૂરદાસ રજપૂતવીરોને રાજલીલા ત્યજીને ભક્તિમાર્ગે વળવાનું સૂચન કરે છે. એના મતે સંસારમાં ભક્તિ સિવાય સઘળું નિરર્થક છે ‘પરમ વૈષ્ણવ’ પ્રકરણમાં કથા કરતાં ઉપદેશ વધારે છે. લેખકનું ભાગવતજ્ઞાન ત્યાં સુપેરે પ્રગટ થાય છે.

ચિંતામણિએ પોતાનો ખજાનો લૂંટાવી દીધો હતો. પહેલા તો ઘા ઉપર ઘા કરવામાં જ માનતી હતી પણ સૂરદાસે હવે તેને ઘા ઉપર મલમ લગાડવાનું શીખવ્યું હતું. પણ સંસારને ચિંતામણિ વેશ્યા બની રહે એમાં જેટલો રસ હતો એટલો રસ એના નવજીવનમાં નહોતો. જમાનાઓથી વેશ્યાઓ દ્વારા ભેગો થયેલો જે ધનનો ખજાનો હતો એ એણે પોતાની વિશ્વાસુ દાસી મહાશ્વેતાને અને એના પિતા સૂરજસિંહને સોંપી દીધો હતો અને એમને કહ્યું હતું કે ‘આ શાપિત ધન છે. જેટલું સ્વકાજે ઓછું વપરાય એટલું સારું, પરકાજે એનો ઉપયોગ કરજો, દુનિયામાં દીનદુ:ખિયાનો તૂટો નથી.’ (પૃ. ૨૪૩)