પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બાલાભાઈનું બાળપણ વીત્યું મોસાળમાં. એટલે પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ થયો વીંછિયામાં. પછી બોટાદ અને વરસોડામાં સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. માધ્યમિક શિક્ષણ અમદાવાદની ટ્યૂટોરિયલ હાઇસ્કૂલમાં લીધું. પણ ઉચ્ચશિક્ષણ લેવાનું ન બન્યું. પિતાએ અર્થમાં સધ્ધરતા પ્રાપ્ત કરી. પરંતુ બાલાભાઈનો રાહ અલગ હતો. એ તો સ્વનિર્ભર રહેવાના ખ્યાલમાં હતા. અલબત્ત પિતાના ધાર્મિક સંસ્કાર જરૂર અંકે કર્યા હતા. ભૌતિક વારસામાં એમને રસ નહોતો. વીરચંદભાઈના નાના ભાઈ દીપચંદ તો પરમ ધાર્મિક હતા. ઓળખાતા પણ દીપચંદ ભગત તરીકે. એમનાં પત્નીના નિધન બાદ એ સાંસારિક જીવનમાંથી વિરક્ત થયેલા અને જૈન ધર્મની દીક્ષા લીધેલી. એમના પુત્ર રતિલાલ પણ એટલા જ ધર્મપ્રેમી હતા. એમણે જૈન સાહિત્યનો ઊંડો અભ્યાસ કરેલો. એમણે જૈન મુનિ અને જૈન ધર્મ મહાનુભાવોનાં લઘુચરિત્રો, જૈન તીર્થો તેમજ જૈન ધર્મ સંદર્ભે પુસ્તકો લખ્યાં છે. એમણે 'જૈન સત્યપ્રકાશ' સામયિકના તંત્રીની જવાબદારી પણ નિભાવી હતી. એ બાલાભાઈ કરતાં ઉમરમાં એક વર્ષ મોટા હતા. ઉભય વચ્ચે અપાર સ્નેહ હતો. ઉભય અન્યોન્યના ચાહક-પ્રેરક હતા. એમણે જયભિખ્ખુની વાર્તાઓનું 'તિલકમણિ' નામે સંપાદન કર્યું છે.

બાલાભાઈને પારંપરિક ઉચ્ચશિક્ષણ અર્થાત્ કૉલેજનું શિક્ષણ લેવાનું ન બન્યું તેનું કારણ ધર્મશિક્ષણ પ્રતિની ગતિ હતી. દીપચંદભાઈના સ્વકીય જૈન ધર્મ પરત્વેના લગાવને લીધે કુટુંબનો ધર્મ-અનુરાગ વિશેષ પાંગર્યો હતો એટલે ધાર્મિક શિક્ષણ લેવા તરફ વૃત્તિ વિશેષ પ્રબળ બની હતી, ત્યારે મુંબઈમાં વિલેપાર્લે ખાતે મુનિશ્રી વિજયધર્મસૂરિએ શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળની સ્થાપના કરીને જૈન ધર્મનું શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો હતો. બાલાભાઈએ ત્યાં પ્રવેશ લીધો. ભણવાનું હતું ધર્મશિક્ષણ. બાલાભાઈનો ઉત્સાહ પણ અપૂર્વ હતો. પછી સંજોગાધીન વિલેપાર્લેની સંસ્થાને સ્થળાંતર કરવાનું બન્યું. પહેલાં સંસ્થા ધાર્મિક નગરી કાશીમાં ફેરવાઈ. ત્યાંથી આગ્રા અને છેલ્લે ગ્વાલિયર રાજ્યના શિવપુરીમાં શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ સ્થિર થયું હતું. શિવપુરીનું પ્રાકૃતિક વાતાવરણ રમ્ય હતું. આ વાતાવરણ બાલાભાઈને પલ્લવિતજીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ