પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
યુવાન વયે


કરી ગયેલું. યૌવનકાળે જોયેલું–માણેલું એ વાતાવરણ જાણે એમની જીવનમૂડી બની ગયું ! બાલાભાઈએ ત્યાં નવ વર્ષ અભ્યાસ કર્યો. ત્યાં સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ભાષા-સાહિત્યનું ઊંડું અધ્યયન કરવાની તક મળી, તો વળી જૈન ધર્મના તત્ત્વજ્ઞાન-દર્શનનો તલસ્પર્શી અભ્યાસ કરીને તપઃપૂત થયા. સંસ્થાનો મૂળ આશય પણ એ જ હતો. એ સાથે એમણે ઇતિહાસનું વિપુલ વાચન કર્યું અને ધર્મ સાથે સંકળાયેલ ઇતિહાસગાથાને પામવાનો પ્રયત્ન કર્યો. શ્રી સ્થૂલિભદ્રનો એમણે કરેલો ઊંડો અભ્યાસ પાછળથી 'કામવિજેતા’ નવલકથા લખવામાં ખપ લાગ્યો હતો. અલબત્ત, એમાં ધર્મપ્રચારની વૃત્તિ નહોતી. પંડિત સુખલાલજીએ આ કૃતિના સંદર્ભે જ એમને 'પંથમુક્ત' કહ્યા હતા. જયભિખ્ખુએ એમની મુક્તતા સ્પષ્ટ કરતાં લખ્યું છે – 'સંપ્રદાયને પોતાની મર્યાદા હોય છે. એને દરેક વ્યક્તિને પોતાનાં નિયત નંબરના ચશ્માંથી જ નિહાળવાની હોય છે. એને માપવા માટે એને પોતાનો જ નિશ્ચિત ગજ વાપરવાનો હોય છે. જો પોતાના ક્ષેત્રને યોગ્ય જ એનો વિસ્તાર સાધવાનો હોય છે. જ્યારે ધર્મમુક્ત પંખીની જેમ સ્વતંત્ર, નભોમંડળની જેમ વિશાળ ને ગંગા-જમનાનાં જળની જેમ સમન્વયકારી છે.' આ 'સમન્વયકારી' વૃત્તિ એ એમનું જીવનવિત્ત છે. માટે જ એ વ્યાપક રીતે સ્વીકૃતિ પામેલા સાહિત્યકાર છે. એમની મૂલ્યનિષ્ઠા એમની સાહિત્યકાર તરીકેની અમૂલી મૂડી છે. છતાંય 'વિક્રમાદિત્ય હેમુ'માં ક્યાંક જૈન ધર્મને ઉજાગર કરવાનો ઝોક વર્તાય છે, પરંતુ તે તો આંશિક રૂપે જ. ધર્મને એ સમાજથી વિભક્ત માનતા નથી. એમની દૃષ્ટિએ 'જે પ્રજાનો ધર્મ હણાયો એના દેશ અને સમાજ હણાયેલા જ સમજવા.'

અભ્યાસના અંતે કોલકાતા સંસ્કૃત એસોસિએશન દ્વારા લેવાતી પરીક્ષામાં


જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ