પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઉત્તીર્ણ થઈને ન્યાયતીર્થની ઉપાધિ પ્રાપ્ત કરી. તો શિવપુરી ગુરુકુળની 'તર્કભૂષણ' પદવી પણ મેળવી. એ વખતે જ સંસ્કૃત કાવ્યો-નાટકોનો અભ્યાસ કરવાનો અવકાશ મળ્યો હતો. ગુરુકુળમાં વિદ્યાનું અપૂર્વ વાતાવરણ હતું. સંસ્થાની સુવાસ વિદેશમાં વ્યાપ્ત હતી. એટલે જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન સમજવા અનેક યુરોપીય વિદ્વાનો ત્યાં આવતા. બાલાભાઈ અભ્યાસ કરતા હતા ત્યારે ડૉ. ક્રાઉઝે નામનાં જર્મન સન્નારી જૈન ધર્મના અધ્યયન અર્થે ગુરુકુળમાં દીર્ઘકાળ લગી રહ્યાં હતાં. એ વિદ્યાપ્રિય સન્નારીએ બાલાભાઈ સાથેના સંબંધે પાછળથી વીંછિયાની મુલાકાત પણ લીધી હતી. જૈન ધર્મપ્રેમી વિદેશીઓના સંપર્ક બાલાભાઈ અંગ્રેજી ભાષા-સાહિત્યથી અવગત થયા હતા અને એમની જિજ્ઞાસાવૃત્તિએ વિદેશી સાહિત્યનો અભ્યાસ પણ થયો હતો. એથી એ વિશેષ કોળતા ગયા.

શિવપુરી ગુરુકુળના સ્થાપક મુનિશ્રી વિજયધર્મસૂરિનો મૂળ ઉદ્દેશ જૈન ધર્મના તત્ત્વજ્ઞાન-દર્શનના વ્યાપક પ્રચાર-પ્રસારનો હતો. આ કાર્ય માટે ત્યાં અભ્યાસ કરવા આવનારમાંથી યોગ્ય વિદ્યાર્થીની પસંદગી થતી અને સંસ્થા દ્વારા વિદેશ મોકલવાનો પ્રબંધ થતો હતો. એમાં બાલાભાઈની પસંદગી થઈ હતી, પરંતુ કોઈક અંતરાય આવતાં એ શક્ય ન બન્યું. સીધો ધર્મપ્રચાર કરવાની તક ન મળી પણ લેખન દ્વારા એ કાર્ય પરોક્ષ રીતે અવશ્ય કર્યું. કાળક્રમે એમનું માનસ સંકુચિત ધર્મસંપ્રદાયથી વિશાળ ધર્મભાવના તરફ વળ્યું હતું એ એમના કથાસાહિત્યના વાચને સમજાય છે.

કોલકાતા પરીક્ષા આપવા ગયેલા બાલાભાઈના મનમાં અનેક વિચારોનું ઘમસાણ ચાલતું હતું. એ પોતાના જીવનની દિશાની શોધમાં હતા. ભણ્યા પછીનો જીવનપથ પકડવાની મથામણ બાલાભાઈનું જીવનચિંતન હતું. આ મથામણના અંતે બાલાભાઈએ જે પથ પકડયો તેને તે ઘડીએ કોણ शिवाश्च पन्थाःની શુભેચ્છા પાઠવે ! બાલાભાઈએ જાત સાથે સંવાદ કરીને, દીર્ઘ મંથનના અંતે જીવનદિશા નક્કી કરી તે – આજીવન નોકરી ન કરવી, પૈતૃક સંપત્તિનો સ્વીકાર ન કરવો અને પુત્રને વારસામાં સંપત્તિ આપવાની નહીં, કલમના સહારે જિંદગી પસાર કરવી. આ નિર્ણયો પાછળ વીર નર્મદ નેજીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
૧૦