પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ચિત્રકાર કનુ દેસાઈએ 'ગીતગોવિંદ' નામક ચલચિત્ર બનાવ્યું હતું. એમની સાથે જયભિખ્ખુને ઘરોબો હતો. એમના નિવાસસ્થાન 'દીપિકા'માં દર રવિવારે મિત્રો ભેગા થતા ત્યારે જયભિખ્ખુ અવશ્ય ત્યાં હાજર હોય. કનુ દેસાઈએ નોંધ્યું છે : 'આ વખતે શ્રી જયભિખ્ખુ ક્યારેક સાહિત્ય પર તો ક્યારેક કવિતા ઉપર તો કોઈક વખત સિનેમા ઉપર વાર્તાલાપ આપતા અને સાહિત્યકલાનું રસપાન કરાવતા.' કનુ દેસાઈએ ચિત્રપટ-ચિત્રકળાના વિકાસાર્થે મુંબઈ વસવાટ કર્યા પછી પણ બંનેની મૈત્રી એવી જ સ્નેહાળ રહી હતી.

જયભિખ્ખુએ કશીક દૃષ્ટિએ નવલકથાઓનું લેખન કર્યું હતું. 'બૂરો દેવળ'ની પ્રસ્તાવનામાં કથાસર્જન પાછળની દૃષ્ટિ સમજાવતાં એમણે લખ્યું છે કે “સર્જનની પાછળ જેમ અભ્યાસ, અનુભવ અને અવલોકન હોય છે, તેમ કોઈ ને કોઈ જીવન ઘડતી દૃષ્ટિ પણ રમતી હોય છે. તો જ તેની સાર્થકતા લેખાય. મારા લેખન પાછળ મારા દિલમાં પણ કોઈ ને કોઈ એવી વિચારશ્રેણી રમતી હોય છે. સંસ્કૃતિઓના સમન્વયને લક્ષમાં રાખીને 'કામવિજેતા સ્થૂલિભદ્ર' રચ્યું. અસ્પૃશ્યોદ્ધારને 'મહર્ષિ મેતારજ'માં ગૂંથ્યો. મહાન મુમુક્ષુ પણ બીજી રીતે ખૂબ જ સરાગ માનવીનું જીવન 'નરકેસરી વા નરકેશ્વરી'માં રજૂ કર્યું છે. સબળું નબળાને ખાય એ પાયા પર ઊભી થતી વિશ્વ-સમસ્યાને 'મત્સ્યગલાગલ' માં આકાર આપ્યો. બિનમજહબી સામ્રાજ્યના એક મહાન પ્રયોગને 'વિક્રમાદિત્ય હેમુ'ના ત્રણ ભાગમાં સ્પષ્ટ કર્યો અને માનવસંસ્કૃતિના પ્રારંભિક વિકાસને રજૂ કરવા 'ભગવાન ઋષભદેવ’ આપ્યું. આમ મારી ઘણીખરી નવલ કે નવલિકાઓ કોઈ આદર્શ, હેતુ કે ધ્યેયને લઈને જન્મી છે. કથયિતવ્ય વગરનું કથન સામાન્ય રીતે મનને રુચતું નથી.' સર્જકની આ કેફિયતમાંથી એમના સર્જનનો હેતુ સ્પષ્ટ થયો છે. વળી ઐતિહાસિક નવલકથાઓમાં આધુનિક વિજ્ઞાનયુગને અનુરૂપ તથા બુદ્ધિજીવીને જચે એવા પૌરાણિક સંદર્ભનાં નૂતન અર્થઘટનો કર્યા છે એ જયભિખ્ખુની નવીનતા છે.

વાર્તાકાર તરીકે જયભિખ્ખુનું પ્રદાન પરંપરાની શૈલીનું. 'ઉપવન'થી પ્રારંભી 'વેર અને પ્રીત' સુધીના એકવીસ વાર્તાસંગ્રહોમાં કુલ ૩૬૫ વાર્તાઓ મળે છે, જેમાંથી ૧૮ પુનરાવર્તિત થઈ હોઈ ૩૪૭ વાર્તા પ્રાપ્ત થાય છે.


૨૫
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ