પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તેમ બધા સાધુ-સંતોનો પ્રેમ જીતવામાં એ સફળ રહ્યા હતા એ એમની ધર્મનિષ્ઠા ને વ્યવહારને લીધે. એમની સાહિત્યસેવાના અનુષંગે શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી કૃષ્ણલાલ મો. ઝવેરીના હસ્તે સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. વળી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનાં પારિતોષિકો પ્રાપ્ત થયાં હતાં. એમનાં કેટલાંક પુસ્તકોના હિંદી-અંગ્રેજી ભાષામાં અનુવાદ થયા હતા. સર્જનાત્મક સાહિત્ય સાથે ચરિત્રાત્મક સાહિત્ય અને કિશોરોને ઉપયોગી સાહિત્યનું સર્જન એમણે કર્યું તો વિવિધ સંપાદનો પણ કર્યાં હતાં. ધીરુભાઈ ઠાકર સાથે એમણે 'સર્વોદય વાચનમાળા'નું સંપાદન કર્યું હતું. તો માધ્યમિક શાળાના અભ્યાસક્રમ માટે કરેલું સંપાદન 'સાહિત્ય કિરણાવલિ' ખૂબ ખ્યાતિ પામ્યું હતું. એમણે કરેલાં અન્ય સંપાદનોમાં એમની વિશિષ્ટ સંપાદનમુદ્રા પામી શકાય છે. એમનાં નાટકોનું વિશ્વ નોખું હતું. જયભિખ્ખુએ પરંપરામાં જ લખ્યું. પ્રયોગ કરવા તરફ એમની ગતિ નહોતી. વળી એમનો વાચકવર્ગ પણ પરંપરાનો આશિક હતો. છ નાટ્યસંગ્રહો દ્વારા એમણે પોતાની નાટ્યસૂઝનો પરિચય કરાવ્યો છે. બદલાયેલી નાટ્યરીતિની તુલનાએ આ નાટકો જુનવાણી લાગે, પરંતુ નાટ્યક્ષમતા જરૂર હતી. એમની સાહસકથાઓ, લોકકથાઓ, પ્રાણીકથાઓમાં કિશોર કેન્દ્રમાં રહેલો છે. બાળસાહિત્ય અને કિશોરસાહિત્યમાં એમનું પ્રદાન ન ભુલાય તેવું છે. એમના એ પ્રદાનનું મૂલ્ય અંકાયું નથી. વળી એમનું ગદ્ય-એ ગદ્યમાંની સર્જનાત્મક્તાને પણ ઉવેખવી ન જોઈએ. માંગલ્યના હિમાયતી જયભિખ્ખુના ગદ્યમાં આવી સહજ પ્રાસાદિકતા જોવા મળે છે. એમના ગદ્યનો આ નમૂનો જુઓ :

'નીલોત્પલની છાંયે સારસબેલડી બેઠી હોય, એમ પૃથ્વીનાથની બંને કીકીઓ સ્થિર થઈ ગઈ હતી. સુમેરુના શિખર જેવું ટટ્ટાર મસ્તક કોઈ અવિચળ નિર્ણયની શાખ પૂરતું હતું. દુર્જેય ગૌરવભરી ભ્રમરો પર કદી ન ખેલાયું હોય એવા પ્રચંડ યુદ્ધની આગાહી હતી. અષ્ટમીના ચંદ્ર જેવા લલાટમાં એક ભવ્ય રસનો સહજ રીતે કલ્પાતો હતો.'

જીવનધર્મી જયભિખ્ખુની શબ્દયાત્રા – જીવનયાત્રા એમની પરિપૂત વૃત્તિ-પ્રવૃત્તિની ગાથા છે. એકની એક બંડી સાબરના નીરમાં આંતરે દિવસે માત્ર પખાળીને પહેરનાર અને 'અગરબત્તી જેવું જીવન' જીવી જનાર


૩૩
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ