પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકાશકીય

જયભિખ્ખુ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત ‘જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ નામનું ચરિત્ર પ્રગટ થઈ રહ્યું છે. એમણે આ પુસ્તકમાં જયભિખ્ખુના જીવનચરિત્રને ઉપસાવવાનો પ્રયાસ કર્યો છે, એમના જેવા જાણીતા ચરિત્ર-લેખકનો આ કાર્યમાં સહયોગ મળ્યો છે, તે અમારે માટે આનંદની વાત છે.

જયભિખ્ખુ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે જયભિખ્ખુનાં જીવન અને કવનને લગતા ગ્રંથો પ્રગટ થઈ રહ્યા છે. આ પૂર્વે પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો અભ્યાસપૂર્ણ ગ્રંથ “જયભિખ્ખુ: વ્યક્તિત્વ અને વાઙ્‌મય' પ્રકાશિત થઈ ચૂક્યો છે. હવે પછી થોડા સમય બાદ 'જયભિખ્ખું અધ્યયનગ્રંથ' પણ પ્રકાશિત થશે. જેમાં વિવેચકો અને અભ્યાસીઓના 'જયભિખ્ખુ'ના સાહિત્ય વિશેના લેખો પ્રગટ થશે. 'જયભિખ્ખુએ લખેલું નાટક 'પતિતપાવન'ના મંચન માટે તેમજ તેમની નવલકથા 'પ્રેમભક્ત કવિ જયદેવ' પર આધારિત એક દીર્ઘ નાટકનું મંચન કરવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. વળી ગુજરાતી સાહિત્ય પરિષદ અને શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ(સાયલા)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત સાહિત્યસત્રમાં જયભિખ્ખુ વિશે એક બેઠક યોજવામાં આવી હતી તેમજ એ સમયે સભાગૃહનું 'જયભિખ્ખુ સભાગૃહ' નામાભિધાન કરવામાં આવ્યું હતું. જયભિખ્ખુના વતન એવા સાયલામાં એમના નિવાસસ્થાનની નજીકના માર્ગને 'જયભિખ્ખુ માર્ગ' નામ આપવામાં આવ્યું. બાલસાહિત્ય અકાદમી દ્વારા એનું આઠમું અધિવેશન 'જયભિખ્ખુ સ્મારક અધિવેશન'ને નામે યોજાયું અને એમાં જુદા જુદા વક્તાઓએ વક્તવ્ય આપ્યાં. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે પૂનામાં યોજેલા જ્ઞાનસત્રમાં એક બેઠક જયભિખ્ખુ અને એમના વડીલબંધુ શ્રી રતિલાલ દેસાઈના જીવન અને સાહિત્યને અનુલક્ષીને યોજી છે.

જયભિખ્ખુના સાહિત્યનું પ્રકાશન, જુદાં જુદાં શહેરો અને ગામડાંઓમાં જયભિખ્ખુ-વ્યાખ્યાનનું આયોજન, જન્મશતાબ્દી નિમિત્તે સાહિત્યિક, સાંસ્કૃતિક અને જીવનલક્ષી પરિસંવાદ તથા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે વક્તૃત્વસ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ગ્રંથના લેખક શ્રી પ્રફુલ્લ રાવલનો આભાર માને છે.

૧૧-૨-૨૦૦૮
- ટ્રસ્ટી મંડળ, શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ