પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

– શબ્દના આરાધકોનો. એટલે ત્યાં સમાજ સંદર્ભે શબ્દની વાતો મંડાતી અને રચાયું હતું સાહિત્યકારોનું વર્તુળ. એમ એમની જીવનયાત્રા ગતિશીલ બની અને અનુભવગઠરી બંધાતી ગઈ. ઘડાતું ગયું વ્યક્તિત્વ – સામાજિક ને સાહિત્યિક પામ્યા તે વળી ત્યાં જ વહેંચ્યું. સંબંધોની સુવાસથી સમૃદ્ધ બન્યા. સ્થળ હતું શારદા મુદ્રણાલય. એ ત્યારે પાનકોરનાકે આવેલું હતું. જયભિખ્ખના સ્વભાવની પરગજુતા અને નિર્મળતાએ એ વર્તુળનો વ્યાસ મોટો થતો રહ્યો હતો. માણસ જ આનંદ-પ્રમોદના. જીવનના કપરા સંજોગો વચ્ચે પણ ચહેરા પરની પ્રસન્નતાને પલાયન ન થવા દે. પુરુષાર્થને પરમધર્મ માનીને જીવ્યા. 'હૈયાદીપ'ને સ્વયં પ્રગટાવ્યો અને પ્રવૃત્તિમાં જીવનરસ પામવાનો પ્રયત્ન કર્યો. એવા બાલાભાઈ દેસાઈ – જયભિખ્ખનું જીવનકાર્ય – શબ્દકાર્ય એમની વિદાય પછી પણ જલદી વિસ્મૃત થાય તેવું નથી. આ વર્ષ એમની જન્મશતાબ્દીનું વર્ષ છે.

જયભિખ્ખની બાળપણની છવિ જોતાં એમની આંખમાં રહેલી જિજ્ઞાસા, એમના જીવનનું મધ્યબિંદુ બનીને વિસ્તરી એ એમની જીવનગાથા. અપાર જિજ્ઞાસાએ મનથી સમૃદ્ધ, કલમને જીવનનો આધાર બનાવનાર જયભિખનો પહેરવેશ હતો જાડું ધોતિયું અને ખમીસ. આ 'ખમીસનો' ઉચ્ચાર એ 'કમીઝ' કરતા. ક્યારેક ઉપર ખાદીનો કોટ હોય કે બંડી હોય. માથે ધોળી ટોપી અને આંખ પર જાડાં ચશ્માં. શામળા ચહેરા પર સદાય પ્રસન્નતા તરતી રહેતી. વાણીમાં ઠાવકાઈ ને વ્યવહારમાં શુચિતા એમના વ્યક્તિત્વનો નિખાર હતો. આંખમાં અનેક સ્વપ્નોનો વાસ હતો તો માનવ પ્રત્યે અપાર અનુકંપા હતી. કશુંક કરવું એ એમની જીવનધખના હતી. જીવનમાં મંગલ શોધવાની વૃત્તિ અને મંગલને વધાવવાની પ્રવૃત્તિમાં અગ્રેસર એવા બાલાભાઈનો જન્મ થયો હતો વિક્રમ સંવત ૧૯૬૪ના જેઠ વદ તેરસ ને શુક્રવાર, ૨૬ જૂન ૧૯૦૮ના રોજ એમના મોસાળ વીંછિયામાં. સમય હતો સવારના સાત વાગ્યાનો. એમના પિતાનું નામ વીરચંદભાઈ હીમચંદ દેસાઈ હતું અને માતાનું નામ પાર્વતીબહેન.

વીરચંદભાઈનો જન્મ ધ્રાંગધ્રાના જેગડવા ગામે વિક્રમ સંવત ૧૯૪૪માં થયો હતો. હિમચંદનાં ચાર સંતાનો પૈકી વિરચંદ બીજા ક્રમે. વતન સાયલા.



જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ