પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જયભિખુનું જન્મસ્થળ -- વીંછીયા
 
વીંછીયાની પ્રાથમિક શાળા

હીમચંદને રૂનો ધીકતો ધંધો હતો અને જાહોજલાલી પણ પૂરતી, પરંતુ રૂના સટ્ટામાં ખોટ જતાં આર્થિક પરિસ્થિતિ બગડી. આથી વીરચંદભાઈ ન તો પૂરું ભણી શક્યા કે ન તો જાહોજલાલીનો ઉપભોગ કરી શક્યા. પિતાનું મૃત્યુ થતાં માંડ સાત ચોપડી ભણીને આજીવિકા અર્થે સાયલાથી ખાસ્સા દૂર વિજાપુર તાલુકાના વરસોડા ગામે જવાનું બન્યું. વરસોડાના દરબારને ત્યાં રૂપિયા પંદરની નોકરીએ રહ્યા ત્યારે ઉંમર હતી માત્ર તેવીસ વર્ષની અને કુટુંબની સંપૂર્ણ જવાબદારી એમના શિરે હતી. પણ માણસ પાકા કોઠાસૂઝના. અનુભવે ઘણું શીખ્યા. સતત રાજ્યના કામમાં પ્રવૃત્ત વીરચંદભાઈએ અનુભવે કાયદાનું જ્ઞાન સંપાદન કર્યું અને કાળક્રમે વરસોડા રાજ્યનું કારભારીપદ પામ્યા. પૂર્ણ નિષ્ઠાથી રાજ્યનો કારભાર કર્યો. જીવનનાં પાછલાં વર્ષોમાં નાના ભાયાતોના કારભારી તરીકે કાર્યરત રહીને આજીવન કર્મમય રહ્યા. વાણિયાનો દીકરો ધીમે ધીમે સ્થિર થતો ગયો. ગયેલી સમૃદ્ધિ પાછી આણી. જીવનની સ્થિરતા પાછી મેળવવામાં કાર્યરત વીરચંદભાઈનાં પત્ની પાર્વતીબહેન- બાલાભાઈનાં માતાનું અચાનક અવસાન થયું. બાલાભાઈને ઘરમાં ભીખો કહેતા. ચાર વર્ષના ભીખાને મૂકીને પાર્વતીબહેને ચિરવિદાય લીધી એટલે એમનો ઉછેર મોસાળમાં થયો. વીરચંદભાઈએ પુનર્લગ્ન કર્યું. બીજી પત્નીનું નામ ચંપાબહેન. બાલાભાઈથી મોટાં બહેન તે હીરાબહેન (શકરીબહેન). પછી ઓરમાયાં ચાર ભાઈ અને બે બહેન.


જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ