પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૯૦ ]


હાજરજવાબી સ્વામીજી બોલ્યા “ભોળા ભાઇ, છોકરાં તો માટી ખાય ! કૃષ્ણે પણ નાનપણમાં ખાધી હશે.પણ એટલા માટે આપણાથી - ઉંમર લાયક મનુષ્યોથી તે એવી નાદાની થાય ખરી ?'

મધપૂડાને મધમાખીઓ વળગે તેમ દિલ્હીમાં સ્વામીજીની ચોગરદમ મનુષ્યોની ગિરદી વીંટળાવા લાગી. મૂર્તિપૂજાના ખંડનથી ખુશી થનારા ઇસ્લામીઓ પણ દોડ્યા આવ્યા. પણ સ્વામીજી તેઓના અજ્ઞાનને એાળખતા હતા. એક મુસ્લીમ સજ્જને આવીને કહ્યું 'આ૫ હિન્દુઓની મૂર્તિપૂજાનું ખંડન કરો છો એ બહુ સારું કાર્ય છે. અમારા મજહબને અનુકૂળ જ થઇ રહ્યું છે.'

'ભાઇ, તમે ભૂલો છો.' સ્વામીજીએ જવાબ વાળ્યો, 'હું તો તમામ મૂર્તિ-પૂજાનું ખંડન કરૂં છું, અને ઈસ્લામને ય મૂર્તિપૂજા ક્યાં નથી? હિન્દુઓની પ્રતિમા તો ચાર આંગળથી માંડીને બહુ તો એક હાથ જેટલી ઉંચી હોય છે. એને તો હરકોઈ પ્રકારે હટાવી શકાશે. પરંતુ મુસલમાનોની કબર, હજીરા અને મિનારાને સ્વરૂપે મોટાં મોટાં મકાનો જેવડી ઉભી છે.એટલે ખરી મુશ્કેલી તો એ તમારી મૂર્તિ-પૂજાને હટાવવામાં જ પડે છે !'

ચકોર મુસલમાન આ શબ્દોના આંતરિક મર્મને સમજી ગયો. ચુપ બન્યો.