પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૯૩]


ઠાકુર લક્ષમણસિંહજી નામના ભાવિક ક્ષત્રિએ જયપુર રાજના કચવાટની વાત જાણ્યા પછી મહર્ષિજીને વિનવ્યા કે 'આવી હાલતમાં આપને આંહી રહેવું ઉચિત નથી. આપના શિર પર જોખમ ભમે છે.'

સ્વામીજી બોલ્યા 'ઠાકોર ! મારે માટે મા ડરો. પણ આપને પોતાને જ જો જયપુર–પતિની નારાજીનો ડર હોય તો સુખેથી આપ મારે કને આવવું બંધ કરી શકો છો. આપ રાજના તાબેદાર છો. પણ હું તો કોઈ માનવીનો નોકર નથી. મારા આત્માને તો કોઈ મનુષ્ય છીનવી શકવાનો જ નથી. તે પછી મારી કને બીજી એવી કઈ વસ્તુ છે કે જે છીનવાઈ જવાનો મને ડર હોઈ શકે ?'

લાહોરમાં નવાબ નિવાજિશ અલીખાનની કોઠીમાં જ મહારાજનો ઉતારો હતો. ત્યાં જ બેસીને મહારાજે લોકો સમક્ષ મુસલમાન મતની વિવેચના ચલાવી. નવાબ પોતે પણ એ વ્યાખાનમાં આવી ચડ્યા. વ્યાખ્યાન થઈ રહ્યા બાદ એક સજ્જને સ્વામીજીને કહ્યું 'આપને કોઈ હિન્દુ, મુસલમાન કે ખ્રીસ્તી પણ ઉતરવાનું મકાન દેતો નથી. ઉપકાર માનો નવાબ સાહેબનો કે એણે ઉતારો દીધો. છતાં ઉલટું આપે તો એને દુ:ખ લાગે તેવી રીતે એના જ છાંયડા તળે મુસ્લીમ પંથની ચર્ચા કરી. નવાબ સાહેબ પણ એ સાંભળી રહ્યા હતા !'

સ્વામીજી બોલ્યા 'ભાઈ, હું તો આંહી કાંઈ મુસલમાન ધર્મની કે બીજા કોઈ ધર્મની યશગાથાઓ ગાવા નથી આવ્યો; હું તો આવ્યો છું વેદધર્મનો ખુલ્લો પ્રચાર કરવા. અને નવાબને ભાળ્યા પછી તો ઉલટો હું જાણીબુઝીને જ આર્યધર્મની મહત્તા સમજાવી રહ્યો હતો. એનો મને શેનો ડર છે? એક નારાયણ સિવાય મને બીજા કોઈની ધાસ્તી નથી.'