પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૯૫]
ચમકારા

વિદ્યાર્થીઓને સાથે લઈને ઘુમતા ઘુમતા સ્વામીજી કાસગંજમાં આવ્યા. પોતે જ્યાં હોય ત્યાં હંમેશાં પોતાની પહેલી દૃષ્ટિ એ બટુકોનાં જ સુખ સાધન પર ફરી વળતી. આ વખતે પોતે જોયું કે બટુકોને સૂવાની જગ્યા પર પવનને રોકવાની પૂરી સગવડ નથી. એટલે ત્યાં એક દિવાલ ખડી કરવાનું સેવકોને પોતે કહી દીધું. પણ મજૂરો ન મળવાથી દિવાલ ચણાઈ નહિ. ફરી પોતે કહ્યું કે 'કાંઈ નહિ. ઘાસનું વાછટીયું કરીને ભીડાવી દ્યો ને !' પણ પોતે જોયું કે સેવકોને વાછટીયું બનાવતાં યે આવડતું નથી. તૂર્ત પોતે સ્વહસ્તે એ વાછટીયું બનાવવા મંડી પડ્યા અને એની કામગીરી સેવકોને સમજાવી દીધી. પોતે કશું અસાધારણ નિરભિમાન બતાવી દેતા હોય કે શિષ્યોને ટોંણો મારતા હોય એવો લગારે દેખાવ થવા ન દીધો.

ફરૂકાબાદના મેજીસ્ટ્રેટ સ્કોટ સાહેબને મહર્ષિજી ઉપર ભારી મમતા જામી. વ્યાખ્યાનો કદિ ચૂકે નહિ, અને વ્યાખ્યાન બંધ હોય તે દિવસ દર્શન ભૂલે નહિ.