પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦૪]

જરા વાર આંખો મળી. ત્યાં તો પેટમાં વેદના ઉપડી. જાગી ઉઠ્યા. ત્રણવાર ઉલટી કરી; પણ પાસે સુતેલા સેવકોને ન જગાડ્યા. પ્રભાતે પોતે ઉઠ્યા વેદના ઉપડી. ઉલટી કરી, પણ જીવ મોળો પડવા લાગ્યો, જઠરમાં શૂળ ભોંકાવા લાગ્યા. રાજના દાક્તરો દોડ્યા આવ્યા, કૈંક ઔષધિઓ આપી. પણ કોણ જાણે શા ભેદથી ઉપચારની ઉંધી જ અસર થતી ગઈ. ગળું સુકાવા માંડ્યું. લોહીના બિન્દુએ બિન્દુમાંથી જાણે કે જીવન શેાષાતું ગયું, છતાં ન અરેરાટ, ન સીસકાર કે ન ગભરાટ. વ્હાલું વ્હાલાને ભેટે તેમ જાણે કે યોગી મૃત્યુને આલીંગન લઈ રહ્યો છે. આખરે બહુ દવાઓને પરિણામે એમનો આત્મારામ થોડા દિવસ ટક્યો. પણ બિછાનામાં કાળી બળતરા ઉઠતી હતી. પીંજરના દ્વારમાંથી પ્રાણપંખી પાંખ ફફડાવવા લાગ્યું.

આવી દશામાં સ્વામીજીને આ વિષ-પ્રયેાગના કાવતરાની જાણ થઈ. એ મહાજ્યોતને બુઝાવનારા પોતાના રસોયા જગન્નાથને એમણે પોતાની પાસે બેલાવ્યો. જગન્નાથે અપરાધ કબૂલ કર્યો. સ્વામીજીની ગંભીર મુખમુદ્રાની એક રેખા યે ન બદલી. દયાર્દ્ર શબ્દે એમણે કહ્યું, “ભાઈ જગન્નાથ, મને બીજું કાંઈ નથી, પણ મારા જીવનનું કામ અધૂરૂં રહી ગયું. તને ખબર નથી કે તારે હાથે કેટલા બધા જીવોને નુકશાન થયું છે. પણ કાંઈ નહિ, ભાઈ ! લે આ થોડા રૂપિઆ હું તને આપું છું. એ લઈને તું તાબડતોબ આ રાજ્યના સીમાડા છોડી દે. નેપાલમાં જઈને છુપાઈ જા. નહિતર, અહીં જો જરા યે વાત ફુટશે તો તારા લોહીનું બિન્દુ યે બિન્દુ નીચોવી લેશે. જગન્નાથ, ભાઈ, જા ! વાર ન લગાડ. મારા તરફથી નિર્ભય રહેજે હું તારી વાત બહાર નહિ પાડું.'

પંદર વરસ વેશ પલટીને જગન્નાથે ટીબેટમાં કાઢ્યાં, તેના પૂરાવા મળે છે.