પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦૫]


ત્રીજે દિવસે સ્વામીજીને પાલખીમાં બેસાડી આબુરોડ લઈ જવામાં આવ્યા. જોધાણનાથ પગે ચાલીને વળાવવા આવ્યા. એના હૃદયમાં ઉંડી દિલગીરી વ્યાપી હતી. વિદાય દેતી વખતે તેનું હૈયું ભરાઈ આવ્યું, કેમકે ભારતવર્ષની સત્ય-જ્યોતને બુઝાવવાનું પાતક એના રાજદ્વાર પર ચડતું હતું.

સ્વામીજીએ મહારાજાને દિલાસો દીધો, 'રાજન્, ચિંતા ન કરશો પ્રભુનાં નિર્માણ મિથ્યા નથી થતાં.'

સંધ્યાસમયે એમણે જોધપુરના પાદરને છેલ્લા રામરામ કર્યા. આબુમાં એક નિપુણ દાક્તરની દવા હાથ બેઠી. દીવડામાં તેલ પુરાવા લાગ્યું. ત્યાં બીજી ફુંક લાગી. સરકારી તબીબીખાતાને લાલરંગી હુકમ છુટ્યો કે દાક્તર લક્ષમણદાસે તાબડતોબ અજમેર ચાલ્યા જવું ! દાક્તરે રાજીનામું આપ્યું. કોણ જાણે શો સંકેત કામ કરી રહ્યો હતો. રાજીનામું નામંજૂર થયું. દાક્તર ગયા. સ્વામીજીને પણ અજમેર ઉઠાવી ગયા. પણ પછી તો દાક્તરે હાથ ખંખેરી નાખ્યા.

સાંજ પડતી આવે છે, 'જીભ પર, મ્હોંમાં, માથામાં અને દેહને રોમે રોમે ફોલ્લા ઉપડ્યાં છે, છતાં સ્વામીજીએ હજામને બોલાવી શિર પર મુંડન કરાવ્યું, નખ ઉતરાવ્યા, એક શિષ્યનો આધાર લઈને પોતે પલાંઠી વાળી બેઠા. પછી અત્યંત વત્સલતા સાથે કહ્યું 'બેટા આત્માનંદ, તારે કાંઈ જોઈએ છે ?'

આત્માનંદજીનાં નેત્રોમાંથી અશ્રુધારા ચાલી. એણે રડતાં રડતાં કહ્યું, 'આપને પ્રભુ આરામ આપે એથી વધીને બીજી કશી ઇરછા આ ત્રણે ભુવનમાં મારે નથી રહી.'

મહર્ષિજીએ હાથ લંબાવીને આત્માનંદજીના મસ્તક પર મૂક્યા; બોલ્યા 'બેટા, ગભરાવું નહિ કર્તવ્યનું પાલન કરતાં સદા આનંદમાં રહેજે. સંસારમાં સંયોગવિયોગ તો સ્વાભાવિક છે.'