પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦૬]


પોતાની સગી જનેતા મરતી હોય ને જેમ ધાવણાં બચ્ચાં રડે તેમ ચેલા રડ્યા. મહર્ષિજીએ બબે રૂપિયા અને બે દુશાલા મંગાવી બંને શિષ્યોને ભેટ દીધાં. બંને જણાએ એ વસ્તુઓ પાછી મેલી દીધી. પછી મહર્ષિજીએ તે દિવસનાં વારતિથિ પૂછ્યાં. ઓરડાની ચોમેર નજર કરી લીધી. વેદપાઠ આરંભ્યો. એ સ્વરોના ગુંજનમાં, કંઠમાં કે ઉચ્ચારમાં ક્યાંયે નિર્બળતાને અંશ પણ નહોતો.

વેદના મંત્રો પૂરા કરી પુલકિત અંગે સંસ્કૃતમાં પરમાત્માની યશગાથાઓ ઉપાડી. સમાધિમાં બેઠા, મુખમંડળ ઉપર પ્રસન્નતાનો ઝળહળાટ પથરાઈ ગયો. આખરે કમળ શાં નેત્ર ઉઘાડી 'હે દયામય, તારી ઇચ્છા ! એ દેવાધિદેવ, તારી જ ઇચ્છા ! વાહ પ્રભુ, કેવી તારી લીલા !' એમ ગુંજારવ કરતાં કરતાં, જન્મોજન્મનાં કર્મોને ખાક કરી, સં. ૧૯૪૦ના આસો માસની અમાસને રોજ એ આત્માની જ્યોતિ મહાજ્યોતમાં મળી અને જગત ઉપર સંધ્યાનાં અંધારાં ઉતર્યાં.