પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્રણ અવાજ

જેના કિનારાને ઘુઘવતો મેરામણ મોતીની છોળો ઉછાળીને દિવસરાત ધોઈ રહ્યો છે એવા આ સૌરાષ્ટ્ર દેશને જાણે એના સર્જનહારનું એક વરદાન છે. જ્યારે જગત માર્ગશૂન્ય બને, જ્યારે ભારતવર્ષમાં અંધકાર છવાઈ જાય, ત્યારે અંધારે અથડાતા એ જન-સમુદાયને જીવનપંથે દીવો ધરનારો એકાદ ઝંડાધારી અવધૂત આ સૈારાષ્ટ્રની ઝાડીઓમાંથી નીકળે છે. બે હજાર વર્ષ પૂર્વે, કનકના કાંગરાએ કરી એ કાળની દુનિયાને અમારાપુરી જેવી લાગતી કનકમયી દ્વારામતીના સિંહાસનેથી, કુરૂક્ષેત્રના સમરાંગણ ઉપર અર્જુનને ફરીવાર ગાંડિવ સજાવનારી ગીતાના ગાનારા શ્રી કૃષ્ણચંદ્ર સૈારાષ્ટ્રમાથી લાધ્યા. શ્રી યદુનન્દને રચેલા એ કીર્તિમંદિર ઉપર જાણે સુવર્ણ-કળશ ચડાવવા, આજથી બરાબર એકસો એક વર્ષ પૂર્વ,વેદોદ્ધારક બ્રહ્મમૂર્તિ દયાનન્દ સરસ્વતી આ ટંકારાની ધરતીમાંથી પ્રગટ્યા. અને આજે યોગીએામાં યોગીશ્વર સમા, તપસ્વીઓમાં તપસ્વીવર સમા, બુદ્ધિપ્રતિભા અને હૃદયઔદાર્ય વિશ્વવંદ્ય બનેલા મોહનદાસ ગાંધી પણ સૌરાષ્ટ્રનુંજ રત્ન છે. જગગતના તારણહારોની કોટિમા સ્થાન પામે એવી આ ત્રણે વિભૂતિ એ ભારતવર્ષને ચરણે સૈારાષ્ટ્રની ભેટ છે. એ સૈારાષ્ટ્રનું સુભાગ્ય છે. એ સૈારાષ્ટ્રનો મોંઘો ભાગ્યાધિકાર છે.