પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨]


કૃષ્ણચંદ્ર, દયાનન્દ, મોહનદાસ; એ વિભૂતિત્રય માંહેના મધ્યસ્થ મહર્ષિ દયાનન્દ સરસ્વતી-પૂર્વાશ્રમના મૂળશંકરનું જન્મસ્થાન મોરબી રાજ્યના ટંકારા પાસેનું જીવાપર ગામ. વનરાજ કેસરીઓ જેમ સૌરાષ્ટ્રનાં ગિરિગહ્યરોમાંજ નીપજે છે તેમ આ પુરૂષસિંહે પણ મોરબીના એ પહાડી પ્રદેશમાં, ૧૮૨૪ની સાલમાં, એક અષાઢી સંધ્યાએ તેની બાળ-આંખો ઉઘાડી આ સૃષ્ટિને પ્રથમ પહેલી નિહાળી, એના પિતાનું નામ કરસનજી. પિતાને ક્યાંથી ખબર હોય કે તેને ઘેર આર્યત્વનો ઉદ્ધારક અવતર્યો છે? એટલે, પુત્રજન્મથી હર્ષઘેલાં બનેલાં માતાપિતાએ તો જેમ સામાન્ય પુત્રનો જન્મ ઉજવાય તેમ આ મૂળશંકરને જન્મ ઉજવ્યો. જીવાપરના જમીનદારના ગૃહને શોભે તેવી રીતે કરસનજી મહારાજે મૂળશંકરના જન્મની વધાઈના આખા ગામમાં ગોળધાણા વહેંચ્યા.

મૂળશંકરના પિતા કરસનજી ગામના મુખ્ય જમીનદાર હતા, ખેડુતોના શરાફ હતા, અને સાથે સાથે મોરબી રાજ્યની જમાદારી કરતા. તેમની જ્ઞાતિ ઐાદિચ્ય બ્રાહ્મણ અને તેમનો ધર્મ શિવધર્મ. કુટુમ્બ વિશાળ હતું. ઘર આંગણે લક્ષ્મીદેવીની કૃપાવૃષ્ટિ વરસતી. આખા પરિવારની શિવજીમાં અચળ આસ્થા ઉભરાતી. સૌના મ્હોં ઉપર ધર્મશીલતાની રેખાઓ અંકાયેલી રહેતી. કરસનજી ત્રવાડી તો અહોરાત્ર શિવ-ઉપાસનામાં જ મગ્ન રહેતા !

એવા ધર્મમય વાતાવરણમાં મૂળશંકરનાં પ્રથમ પાંચ વર્ષ ખૂબ લાલનપાલનમાં વીતી ગયાં. કળી ઉઘડીને ખુશબુદાર ફુલ ખીલવા માંડ્યું. મૂળશંકરને માયાભર્યા પિતાએ દેવનાગરી કક્કો શીખવવો શરૂ કર્યો. ધર્મગ્રંથોમાંથી શ્લોકો ચૂંટી ચૂંટીને એનો મુખપાઠ મંડાયો. આઠમે વર્ષે યજ્ઞોપવીત-સંસ્કાર કરવામાં આવ્યા. ત્યાર બાદ તે સંધ્યાના મંત્રો અને વેદગાયત્રીના શ્લોકોનું